“હું જ ચૂંટણી લડીશ ” : જો બાઇડેને પ્રમુખપદની રેસમાંથી હટી જવાનો કર્યો સાફ ઈનકાર
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને તમામ અટકળોનો અંત લાવવા માંગતા હોય તે રીતે પોતે જ આગામી ચૂંટણી લડશે તેવી મક્કમ ઘોષણા કરી હતી. કોરોના સંક્રમિત થયા બાદ હાલમાં તેઓ ડેલેવરના બીચહાઉસ ખાતે એકાંતવાસ ભોગવી રહ્યા છે. 81 વર્ષના જો બાઈડેન અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની પ્રથમ ડિબેટમાં તેમના નબળા દેખાવ બાદ ડેમોક્રેટિક પાર્ટીમાં તેમની ઉમેદવારી સામે વિરોધ નો સુર ઊઠવાનું શરૂ થયું હતું. અત્યાર સુધીમાં 32 કોંગ્રેસમેન તેમને ઉમેદવારી પરત ખેંચવા માટે અનુરોધ કરી ચૂક્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને હાઉસના પૂર્વ સ્પીકર નેન્સી પેલોસી જેવા ટોચના નેતાઓએ પણ આ બાબતે બાઇડેન ને વિનંતી કરી હતી.
દરમિયાન આ પ્રચંડ દબાણ બાદ બાઇડેન કુણા પડ્યા હોવાના અહેવાલો વહેતા થયા હતા પણ શુક્રવારે તેમણે કહ્યું,” આગામી અઠવાડિયાથી હું પ્રચારનો દૌર આગળ ધપાવીશ. હું દેશવાસીઓને ડોનાલ્ડ ટ્રમ્પના ‘ પ્રોજેક્ટ 2025 ‘ ના ખતરાઓ અંગે માહિતગાર કરીશ”! તેમણે કહ્યું કે એક પાર્ટી અને દેશ તરીકે આપણે સાથે મળીને તેમને પરાજિત કરીશું.
નોંધનીય છે કે ચૂંટણી પૂર્વે થયેલા અનેક સર્વેમાં બાઈડેન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ નીકળી ગયા હોવાનું તારણ રજૂ કરાયું છે. તેમાં પણ હત્યાના પ્રયાસ બાદ ટ્રમ્પ ની તરફેણમાં સહાનુભૂતિ મોજૂં સર્જાતા ડેમોક્રેટિક પાર્ટી સામે ગંભીર પડકાર ઊભો થયો છે. બાઇડન જો ઉમેદવારી પરત નહી ખેંચે તો ડેમોક્રેટસ સતા ગુમાવશે તેવો ભય અનેક નેતાઓ વ્યક્ત કરી ચૂક્યા છે.