MBBS થવા કિર્ગીસ્તાન ગયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા : મદદ માટે પોકાર
સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા વધી રહેલા હુમલાથી છવાયુ ભયનું વાતાવરણ
સુરતના ૧૦૦ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા મારફત વ્યથા વર્ણવી
મધ્ય એશિયાયી દેશ કિર્ગીસ્તાનની રાજધાની બીશકેકમાં વિદેશી અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ ઉપર થઇ રહેલા હુમલાથી ભારે ભયનું વાતાવરણ છે. કિર્ગીસ્તાનમાં જે વિદ્યાર્થીઓ ફસાયા છે તેમાં ગુજરાતના અને તેમાં પણ સુરતના અનેક વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરતના 100થી વધુ વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાયા છે. સુરતના વિદ્યાર્થિઓએ મદદ માટે સોશલ મીડિયા દ્રારા અરજ કરી છે. ભારત સરકાર પાસે મદદ માગતા આ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર વ્યથા રજૂ કરતા પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો.
દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ MBBS એટલે કે મેડિકલ અભ્યાસ માટે મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાન જાય છે. ત્યાં શિક્ષણ સસ્તું છે અને પ્રવેશ પણ સરળ છે
બિશકેકમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાના અને તેમના પર ત્રાસ ગુજારવાના ઘણા બધા વિડીયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વિદેશી વિદ્યાર્થીઓ પરના હુમલા એક સપ્તાહ પહેલા શરૂ થયા હતા કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ બિશકેકના યુવકને માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને ત્યાર બાદ આ હુમલા ચાલુ થયા હતા.
કિર્ગીસ્તાનમાં ફસાયેલી સુરતની રિયા લાઠીયાએ સોશિયલ મીડિયા દ્રારા મદદ માંગી હતી. રિયા લાઠીયા યુનિવર્સીટી ઓફ કસ્મામાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે,કિર્ગિસ્તાનમાં વધી રહેલા વિદેશીઓ હુમલામાં સતત ભારતીય વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવતા હોવાની ઘટના બની છે,
બિશકેકમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે કિર્ગીઝ રિપબ્લિકમાં લગભગ 17,000 ભારતીય વિદ્યાર્થીઓ છે જેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ બિશકેકમાં છે. દૂતાવાસે બિશકેકમાં વિદેશી વિદ્યાર્થીઓ સામેની થઈ રહેલી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દૂતાવાસે જણાવ્યું હતું કે, જોકે કિર્ગીઝ સત્તાવાળાઓ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી જેના કારણે બિશકેકમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે
વિદ્યાર્થીઓની સલામતિ માટે ગુજરાત સરકાર આગળ આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા યુવા વિદ્યાર્થીઓની કિર્ગિસ્તાનમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા મુખ્ય સચિવ રાજકુમારને સુચનાઓ આપી છે.
કર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના સુરત શહેર-જિલ્લાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમારને કર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન કરવા જણાવ્યું હતું.
કર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર ૦૫૫૭૧૦૦૪૧ અને ૦૫૫૦૦૫૫૩૮ પણ ૨૪x7 કાર્યરત કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે.