હિન્દુ અમેરિકન મહિલા તુલસી ગબાર્ડની યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તરીકે નિમણૂક
બે દાયકા સુધી અમેરિકી સેનામાં ફરજ બજાવી, હાઉસ પ્રેઝન્ટેટિવ તરીકે ગીતાના નામે શપથ લીધા હતા
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તરીકે તુલસી ગબાર્ડની નિમણૂક કરી હતી. આ પદ મેળવનાર તેઓ પ્રથમ હિન્દુ અમેરિકન મહિલા છે. તુલસી ગબાર્ડ મૂળભૂત રીતે ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય હતા. 2013 થી 2021 સુધી તેઓ ડેમોક્રેટ્સ તરીકે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ તરીકે ચૂંટાયા હતા. બાદમાં જોકે પાર્ટી સાથે તેમના મતભેદો વધ્યા હતા. જો બાઇડેન સરકારે તેમને સિક્રેટ ટેરરિસ્ટ વોચ લિસ્ટ માં મૂક્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેઓ જ્યારે પણ હવાઈ મુસાફરી કરે ત્યારે તેમનું સઘન ચેકિંગ કરવામાં આવતું હતું. 2022 માં તેઓ ડેમોક્રેટિક પાર્ટી છોડી રિપબ્લિકન પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
તુલસી ગબાર્ડે 20 વર્ષ સુધી યુએસ આર્મી નેશનલ ગાર્ડ માં ફરજ બજાવી હતી. એ દરમિયાન ઈરાક અને કુવેતના યુદ્ધમાં તેમણે ભાગ લીધો હતો. ઇરાકના યુદ્ધમાં સાહસિક ભૂમિકા ભજવવા બદલ તેમને કોમ્બેટ મેડિકલ બેજ ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
માતા એ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો
ઘણા લોકો તુલસી ગબાર્ડને ભારતવંશી માને છે. હકીકતમાં તેમના પિતા માઈક ગબાર્ડ સમોના યુરોપિયન રક્ત ધરાવે છે. તેમના માતા કેરોલ પોર્ટરનો જન્મ અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં થયો હતો. બાદમાં ઇસ્કોન ના સ્થાપક ભક્ત વેદાંત સ્વામી પ્રભુપાદ ની પ્રેરણાથી તેમણે હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો અને સંતાનોને હિન્દુ ધર્મના શિક્ષણ તથા પરંપરા સાથે ઉછેર્યા હતા. તુલસી ગબાર્ડે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ તરીકે ભગવતગીતાના નામે શપથ લઇ ઇતિહાસ રચ્યો હતો.
પાકિસ્તાન-બાંગ્લાદેશના વિરોધી અને હિન્દુ હિતોના રક્ષક
તુલસી ગબાર્ડ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. અમેરિકન કોંગ્રેસમાં તેમણે એ બે દેશોમાં હિન્દુઓના રક્ષણ માટેની માગણી કરતો ઠરાવ રજૂ કર્યો હતો. ભારત અને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો પણ તેઓ ખુલ્લો વિરોધ કરતા રહ્યા છે.