હસન નસરલ્લાહના અનુગામીનો પણ ખાતમો બૈરુતમાં વધુ 37 લોકોના મોત,સેંકડો ઘાયલ
મિસાઈલ પ્રોડક્શન યુનિટના વડાને પણ મારી નાખ્યો
ઇઝરાયેલ ના હવાઈ હુમલામાં માર્યા ગયેલા હેઝબોલ્લાહના વડા હસન નસરલ્લાહની શુક્રવારે અંતિમ વિધિ થાય તે પહેલા જ તેમના ઉતરાધિકારી મનાતા હાશેમ સફીદીનને પણ પતાવી દીધા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ બૈરુતમાં એક બંકરમાં યોજાયેલી બેઠકમાં સફીદિન ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે ઇઝરાયેલે હવાઈ હુમલા દ્વારા તેમને નિશાન બનાવ્યા હતા. સાથે જ ઇઝરાયલે કરેલી એર સ્ટ્રાઈકમાં હેઝબોલ્લાહના મિસાઈલ પ્રોડક્શન યુનિટના વડા મહમદ યુનુસ અનીસીનું પણ મૃત્યુ થયું હતું.
શુક્રવારે ઇઝરાયેલે દક્ષિણ બૈરુતના પરાવિસ્તાર દાહિયે પર અસંખ્ય બોમ્બ વરસાવ્યા હતા. એ હુમલામાં હેઝબોલ્લાહનુંઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર જમીનદોસ્ત થઈ ગયું હતું. ઇઝરાયેલે કરેલા એ તાજા હુમલામાં ઓછામાં ઓછા 37 લોકોના મૃત્યુ થયા હતા અને 170 ઘાયલ થયા હતા.
બીજી તરફ દક્ષિણ લેબેનોન અને ઉત્તર ઇઝરાયેલ ની સરહદ પર ભીષણ જંગ જારી રહ્યો હતો.હેઝબોલ્લાહએ પણ છેલ્લા 24 કલાકમાં 230 મિસાઈલ વડે ઇઝરાયેલ ના સામનીન અને નેશેર આર્મી બેઝ તેમજ હૈફાની ઔદ્યોગિક વસાહતોને નિશાન બનાવ્યા હતા.
હાશેમ સફીદીન પયગંબર સાહેબના વંશજ હોવાની માન્યતા
ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયેલા હાશેમ સફેદીનને મહંમદ ભાઈગંબર સાહેબના વંશજ માનવામાં આવે છે અને પરંપરા અનુસાર તેઓ કાળી પાઘડી પહેરતા હતા. અમેરિકાએ 2017માં તેમને આતંકવાદી ઘોષિત કર્યા હતા. સફીદીન હેઝબોલ્લાહની રાજકીય પાંખ અને જેહાદ કાઉન્સિલના અધ્યક્ષ હતા.
લેબેનોનું આરોગ્ય માળખું વેરવિખેર 28 આરોગ્ય કર્મચારીઓના મોત
લેબેનોન ઉપર ઇઝરાયેલનાં અવિરત હુમલાને કારણે તબીબી સેવાઓ પર અસર પડી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 28 આરોગ્ય કર્મીઓ માર્યા ગયા છે. 37 કરતાં વધારે આરોગ્ય કેન્દ્ર બંધ કરી દેવા પડ્યા છે અને જો હુમલા બંધ નહીં થાય તો વધુ હોસ્પિટલો બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાવાનો ખતરો છે. બૈરુત ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ થઈ જતા તબીબી સેવા માટે જરૂરી સાધન સરજામાં તથા દવાઓની સપ્લાય અટકી પડી છે.
ગાઝામાં એક જ દિવસમાં વધુ 100 લોકોના મોત
ઇઝરાયલે ગાઝા ઉપર પણ હુમલા ચાલુ રાખ્યા હતા. વેસ્ટ બેંકના તુલકાઈ શહેર ઉપર થયેલી એર સ્ટ્રાઈકમાં 18 લોકોના મૃત્યુ થયા હતા.પેલેસ્ટાઇન હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર છેલ્લી 24 કલાકમાં જ ઇઝરાયેલી હુમલામાં 100 લોકોના મૃત્યુ થયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.ગાઝામાં કુલ મૃત્યુ અંક 41 હજારને આંબી ગયો છે.