સાઉથ કોરિયાના ભૂતપૂર્વ રક્ષા મંત્રીનો વોશરૂમમાં આપઘાતનો નિષ્ફળ પ્રયાસ
સાઉથ કોરિયામાં માર્શલ લો લાગુ કરવાના નિર્ણય બદલ અટકાયતમાં લેવાયેલા પૂર્વ રક્ષા મંત્રી કીમ યોંગ હુને મંગળવારે મધરાત્રે ડિટેન્શન સેન્ટરના વોશરૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
સાઉથ કોરિયાના પ્રમુખ યુન સુક યેલોએ ત્રીજી ડિસેમ્બરે માર્શલ લો ની જાહેરાત કરી હતી. જોકે પ્રજાના પ્રચંડ વિરોધ તેમજ સાંસદોએ એ નિર્ણય વિરુદ્ધમાં કરેલા મતદાન બાદ માત્ર છ કલાકમાં એ નિર્ણય પરત લેવામાં આવ્યો હતો.
એ ઘટનામાં રક્ષા મંત્રી કીમ યોંગ હુનની ભૂમિકા ખુલ્યા બાદ તેમણે ગત શુક્રવારે રાજીનામું આપી દીધું હતું. રવિવારે તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમને સીઓલ ખાતેના ડોગબુ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. મંગળવારે તેમની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવે તે પહેલા એ ડિટેશન સેન્ટરના વોશરૂમમાં જઈ તેમણે અન્ડરવેર વડે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમને હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જાહેર થયું છે.
નોંધનીય છે કે પૂર્વ રક્ષા મંત્રી કીમ યોંગ હુને માર્શલ લો જાહેર કરવાના નિર્ણયની જવાબદારી સ્વીકારી સાઉથ કોરિયાની પ્રજાની માફી માગી હતી. બીજી તરફ પ્રેસિડેન્ટ યુન સૂક યેલો ફરતે પણ કાનૂની ગાળિયો ભિંસાઈ રહ્યો છે. તેમના પ્રવાસ કરવા પર પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે. માર્શલ લો પરત ખેંચ્યાની
જાહેરાત કર્યા બાદ તેઓ એક પણ વખત જાહેરમાં દેખાયા નથી.