વિશ્વનાં 100 શક્તિશાળી લોકોમાં એલોન મસ્ક સૌથી મોખરે, યાદીમાં માત્ર 1 ભારતીય સામેલ
ફોર્ચ્યુન દ્વારા ઉદ્યોગ જગતના પાવરફુલ લોકોની યાદી જાહેર : મુકેશ અંબાણીને મળ્યું સ્થાન
એલોન મસ્ક દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. ફોર્ચ્યુન દ્વારા ઉદ્યોગજગતના ટોપ 100 પાવરફુલ લોકોની યાદીમાં ટેસ્લા અને ટ્વિટર કંપનીના માલિક એલોન મસ્ક સૌથી ટોચ પર છે. સૌથી ખાસ વાત એ છે કે, દુનિયાના શક્તિશાળી નેતાઓની યાદીમાં માત્ર એક ભારતીયને સ્થાન મળ્યું છે. દર વર્ષે ફોર્ચ્યુનની આ લિસ્ટમાં એ બિઝનેસ લીડર્સનો સમાવેશ થાય છે જેમણે બિઝનેસની સાથે-સાથે બીજા ઘણા ક્ષેત્રોમાં પણ દુનિયા પર પોતાની ઉંડી અસર છોડી છે.
ફોર્ચ્યુનની નવી યાદીમાં વિશ્વના 40 દેશોના ઉદ્યોગપતિઓને સ્થાન મળ્યું છે અને તેમની ઉંમર 30થી 90 વર્ષની વચ્ચે છે. જેમાં કંપનીઓના સ્થાપકો, ચીફ એક્ઝિક્યુટિવ્સ, ઇનોવેટર્સનો સમાવેશ થાય છે. ભારતની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી આ લિસ્ટમાં સ્થાન મેળવનાર એક માત્ર ભારતીય છે.
ફોર્ચ્યુન 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં એલન મસ્ક બાદ **Nvidia ના સીઈઓ **Jensen Huang (જેન્સન હુઆંગ) અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા બીજા નંબર પર છે. આ બંનેએ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ક્રાંતિકારી પ્રગતિ કરી સમગ્ર દુનિયા પર વ્યાપક અસર કરી છે.
દુનિયાના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં વોરેન બફેટ, જેમી ડિમોન અને એપલના ટિમ કુકનો સમાવેશ થાય છે. ફેસબુક – મેટાના માર્ક ઝકરબર્ગને પણ મેટાવર્સમાં તેની સ્ટ્રેટેજીના કારણે આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. એઆઈ ડેવલપમેન્ટમાં સૌથી આગળ રહેલા ઓપનએઆઈના સેમ ઓલ્ટમેનનું નામ પણ સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં છે.
આ ઉપરાંત ટોપ 15 સેલિબ્રિટીઝમાં જનરલ મોટર્સના મેરી બૈરાનું નામ પણ છે, જેમણે ઓટોમોટિવ અને ઇવી ઇન્ડસ્ટ્રીમાં ઉંચુ સ્થાન બનાવ્યું છે. ફાઈનાન્સિયલ સર્વિસમાં અસરકારક નેતૃત્વ માટે બેંક ઓફ અમેરિકાના સીઈઓ બ્રાયન મોયનિહાન પણ આ યાદીમાં છે. હ્યુઆવેઇના સ્થાપક રેન ઝેંગફેઇ 14માં, સિટી બેંકનું નેતૃત્વ કરનાર જેન ફ્રેઝર આ યાદીમાં 15મા ક્રમે છે.
મુકેશ અંબાણી દુનિયાના 12માં નંબરના સૌથી શક્તિશાળી વ્યક્તિ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન રિલાયન્સ અંબાણી ભારત અને એશિયાના સૌથી વધુ ધનવાન વ્યક્તિ છે. તેમણે ટેલિકોમ અને એનર્જી સેક્ટરમાં મોટી સફળતા હાંસલ કરી વૈશ્વિક સ્તરે ઉદ્યોગ જગતમાં ભારતનો ડંકો વગાડ્યો છે. ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દુનિયાના સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં 12મા નંબરે છે. આ યાદીમાં તેમની આગળ એમેઝોનના જેફ બેજોસ 11માં નંબર પર છે અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ 10માં નંબર પર છે.