બાઈડેન ભારતમાં બીજા કોઈને ચૂંટવા માંગતા હતા? ટ્રમ્પે નવી આશંકા દર્શાવી
ભારતમાં મતદાન માટે 21 મિલિયન ડોલરની સહાય કરવા પાછળ ભારતમાં બીજી કોઈ સરકારને ચૂંટવાની બાઈડેન સરકારની ચાલ હોવાની આશંકા ડોનાલ્ડ
ટ્રમ્પે વ્યક્ત કરી હતી.તેમના આ નિવેદનને પગલે ભારતમાં રાજકારણ ગરમાવાની સંભાવના છે.
એલોન મસ્કના નેતૃત્વ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફીસીયન્સી ( DOGE ) એ USAID ના માધ્યમથી ભારત ને અપાતી આ ગ્રાન્ટ બંધ કરવાની જાહેરાત કરી હતી.એલોન મસ્કે 15 ફેબ્રુઆરીના રોજ X ઉપર ટ્વીટ કરી આ જાણકારી આપી હતી.
એ પછી ટ્રમ્પે એ પગલા ને ઉચિત ગણાવતા જણાવ્યું હતું કે ભારતમાં મતદાન માટે આપણે 21 મિલિયન ડોલર આપવાની શું જરૂર છે? ભારત પાસે તો ઘણા પૈસા છે. તેઓ અમેરિકી ઉત્પાદન ઉપર સૌથી વધારે ટેક્સ લગાવે છે.
દરમિયાન મિયામી ખાતે સાઉદી અરેબિયા દ્વારા આયોજિત એક સમિટમાં ટ્રમ્પે ફરી વખત એ જ વાત કરી હતી પણ સાથે જ એક ડગલું આગળ વધી અને તેમણે બાઈડેન તંત્ર ભારતમાં હસ્તક્ષેપ કરતું હોય તેવા નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું,” મને લાગે છે કે બાઇડેન ભારતમાં બીજા કોઈને ચૂંટવા માંગતા હતા.આ અંગે આપણે ભારત સરકારને જાણ કરવી પડશે.આ એક ચોંકાવનારું તારણ છે.”જો કે તેમણે વધુ કોઈ વિગતો આપી નહોતી.
ગ્રાન્ટ મળી નથી, મળવાની હતી બધા હવામાં ગોફણીયા ઝીંકે છે.
આ સહાય બંધ કરવાની જાહેરાત પછી ભાજપ આઇટી સેલ ના વડા અમિત માલવીયએ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસની સાંઠગાંઠ સામે સવાલ ઉઠાવ્યા હતા અને વિદેશી હસ્તક્ષેપની ચિંતા દર્શાવી.પણ એ મુદે અનેક સવાલો અનુતર છે. સાચી વાત એ છે કે આવી કોઈ ગ્રાન્ટ હજુ સુધી મળી નથી. USAID દ્વારા કોન્સર્ટિયમ ફોર ઇલેક્શન એન્ડ પોલિટિકલ પ્રોસેસ સ્ટ્રેનથનિંગ ( CEPPS ) ને એ ગ્રાન્ટ આપવાની હતી તેવું અત્યાર સુધીના નિવેદનો ઉપરથી ફલિત થાય છે. પણ એ ગ્રાન્ટ ભારત સરકારને આપવાની હતી કે એનજીઓને આપવાની હતી તે અંગે મસ્ક, USAID કે CEEPPS એ કોઈએ કોઈ ચોખવટ કરી નથી.ભારત સરકારે પણ એ મુદે કોઈ સતાવાર જાણકારી આપી નથી.પણ ટ્રમ્પના નિવેદનોને કારણે જે ગ્રાન્ટ મળી જ નથી તે અંગે ઘરઆંગણે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે.