અમેરિકાએ ટેરિફની ધમકી આપ્યા બાદ કોલંબિયા ઘુટણીએ પડી ગયું
ગેરકાયદે વસાહતીઓને દેશ નિકાલ કરવાની ટ્રમ્પની ઝુંબેશને કારણે પાડોશી લેટિન અમેરિકા દેશ કોલંબિયા સાથેના અમેરિકાના સંબંધો વણસ્યા છે. કોલંબિયન નાગરિકોને લઈને આવેલા અમેરિકાના બે લશ્કરી વિમાનોને લેન્ડ થવાની મંજૂરી ન આપ્યા બાદ ટ્રમ્પે 25 થી 50 ટકા સુધી ટેરિફ લાદવાની ચેતવણી આપતાં કોલંબિયાના પ્રમુખ ગોસ્તાવો પેટ્રો ઝૂકી ગયા હતા અને લશ્કરી વિમાનોને પણ આવવાની મંજૂરી આપવી પડી હતી.
આ અગાઉ કોલંબિયાના ડાબેરી પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ કોલંબિયન નાગરિકોને ગુનેગાર ગણાવવાનો વિરોધ કર્યો હતો. તેમણે સન્માનપૂર્વક તેમના નાગરિકોને પરત મોકલવાનો અનુરોધ કર્યો હતો. અમેરિકામાં વસતા કોલમ્બિયન નાગરિકોને સન્માન પૂર્વક પરત લાવવા માટે પ્રેસિડેન્ટિયલ પ્લેન મોકલવાની પણ તેમણે તૈયારી દાખવી હતી. એ દરમિયાન અમેરિકન તંત્રે લશ્કરી વિમાનો દ્વારા કોલંબિયા નાગરિકોને પરત મોકલતા મામલો બિચક્યો હતો. પેટ્રોએ એ વિમાનોને ઉતરાણની મંજૂરી ન આપ્યા બાદ ટ્રમ્પે તાત્કાલિક અસરથી 25 ટકા ટરિદ લાદવાની જાહેરાત કરી હતી અને બીજા તબક્કામાં 50% સુધી ટેરિફ ઝીંકવાની ધમકી ઉચ્ચારી હતી.
કોલંબિયાના પ્રમુખે શરૂઆતમાં તો ટંગડી ઊંચી રાખી અમેરિકન ચીજ વસ્તુઓ પર સામા ટેરિફ લાદવાની શેખી મારી હતી પરંતુ બાદમાં ઘુંટણીએ પડી ગયા હતા અને લશ્કરી વિમાનો દ્વારા પણ નાગરિકોને સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા. બાદમાં ટ્રમ્પે ટેરિફ ન લાદવાનો નિર્ણય પરત ખેંચ્યો હતો. જોકે કોલંબિયાના પ્રમુખે અમેરિકાના આક્રમક અભિગમની ટીકા કરતા કહ્યું કે કોલંબિયામાં પણ 11 હજાર અમેરિકન વસાહતીઓ ગેરકાયદે રહે છે. અમે તેમની ધરપકડ નથી કરતા પણ દસ્તાવેજો પૂર્ણ કરવાની સવલત આપીએ છીએ.
અમેરિકાના પરંપરાગત મિત્ર રાષ્ટ્રને પણ પરચો મળી ગયો
કોલમ્બિયા લેટિન અમેરિકન દેશોમાં ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ છે. પરંપરાગત રીતે અમેરિકાનું ગાઢ સાથી રાષ્ટ્ર છે. બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતી અસ્તિત્વમાં છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબીઓના પત્ની પણ કોલંબિયન અમેરિકન છે. જોકે વિવાદ થયા બાદ માર્કો રુબીઓએ બોગોટામાં યુએસ એમ્બેસીમાં વિઝા આપવાનું સ્થગિત કરી અને કોલમ્બિયાના સરકારી અધિકારીઓ અને તેમના નજીકના પરિવારના સભ્યોને વિઝા રદ કરવાની જાહેરાત કરી હતી.જ્યાં સુધી ગેરકાયદે વસાહતીઓના વિમાનો કોલંબિયામાં લેન્ડ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધો ચાલુ રાખવાની ઘોષણા કરવામાં આવી હતી.
બ્રાઝિલના 88 નાગરિકોને હાથકડી પહેરાવી પરત મોકલ્યા
અમેરિકાએ દેશનિકાલ કરેલા 88 બ્રાઝિલના નાગરિકોને હાથ કડી પહેરાવી અને પ્લેનમાં બેસાડ્યા હતા. બ્રાઝિલના મહાઉસ વિમાની મથકે પ્લેન લેન્ડ થયા બાદ એ નાગરિકોની હાલત જોઈ બ્રાઝિલની સરકાર સ્તબ્ધ બની ગઈ હતી. દેશનિકાલ થયેલા લોકોના જણાવ્યા મુજબ હથકડી પહેરાવવા ઉપરાંત તેમના પગ પણ બાંધી દેવામાં આવ્યા હતા. પીવાનું પાણી પણ નહોતું અપાયું. ત્યાં સુધી કે બાથરૂમમાં પણ નહોતા જવા દેવાયા. અત્યંત ગરમીમાં વિમાનનું એસી બંધ હતું. અનેક લોકોને શ્વાસ રૂંધાવવાની તકલીફ થઈ હતી અને કેટલાક લોકો મૂર્છિત થઈ જવાની અણી પર પહોંચી ગયા હતા. બ્રાઝિલની સરકારે આ ઘટનાને બ્રાઝિલના અપમાન અને નાગરિકોના મૂળભૂત અધિકારના ભંગ સમાન ગણાવી વિરોધ નોંધાવ્યો હતો