ટ્રમ્પના દસ ટકા ટેરિફ સામે ચીને 10 થી 15 ટકાનો ડોઝ આપ્યો : ચીને કહ્યું,” વ્યાપાર યુદ્ધમાં કોઈ વિજેતા નથી હોતું”
અમેરિકાએ ચીનની ચીજ વસ્તુઓ પર 10% ટેરીફ લાદવાની જાહેરાત કર્યા બાદ ચીને વળતાં પગલા તરીકે અમેરિકન ચીજ વસ્તુઓ પર પણ ટેરિફ લાદવાની ઘોષણા કરી હતી. ટ્રમ્પે કરેલા આદેશનો અમલ મંગળવારથી શરૂ થવાનો હતો તે પહેલા ચીને આ વળતો ઘા કર્યો હતો.
ચીને અમેરિકન કોલસો તેમજ ગેસ પ્રોડક્ટસ ઉપર 15 ટકા અને ક્રૂડ ઓઇલ તેમજ અન્ય અમેરિકી ઉત્પાદનો ઉપર 10 ટેરીફ લાદવાની જાહેરાત કરી હતી. ચીન ઉપર ટેરિફના ટ્રમ્પના નિર્ણયનો પ્રતિભાવ આપતા ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આવું પગલું અમેરિકાને તેની પોતાની સમસ્યાઓ હલ કરવામાં પણ મદદરૂપ નહિ બને અને ઉપરથી ચીન અને યુએસ વચ્ચેના સામાન્ય આર્થિક અને વ્યાપાર સહયોગને પણ નુકસાન પહોંચાડશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ટ્રમ્પે લીધેલા પગલાની યોગ્ય પ્રતિક્રિયા આપવા માટે ચીનને પણ સામા ટેરિફ લાદવાની ફરજ પડી છે. ટ્રમ્પના પગલાં ને ચીને આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોના ગંભીર ઉલ્લંઘન સમાન ગણાવ્યું હતું અને ડબલ્યુએચઓ માં કાનૂની કેસ કરવાની ધમકી પણ આપી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અંતમાં જણાવ્યું કે ટ્રેડ વોરમાં ક્યારેય કોઈ વિજેતા હોતું જ નથી.