બૈરુતમાં બે બહુમાળી ઇમારતો પર બોમ્બમારો:28 મોત,117 ઘાયલ
આઠ માળની ઈમારત પળભરમાં ધ્વસ્ત
ઇઝરાયેલે લેબેનોન ઉપર વધુ એક વખત ભારે બોમ્બમારો કર્યો હતો. મધ્ય બૈરુતમાં ઇઝરાયેલી વાયુસેનાએ બે બહુમાળી ઇમારતોને નિશાન બનાવતા 28 લોકોના મોત થયા હતા અને અન્ય 117 નિર્દોષ નાગરિકો ઘાયલ થયા હતા. આ હુમલામાં હેઝબોલ્લાહના સિનિયર અધિકારી વાફીક સફાનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો.
ઇઝરાયેલી સેનાએ વાફીક સફા એ ઇમારતોમાં હાજર રહેવાના હોવાના ઇન્ટેલિજન્સ અહેવાલ બાદ તેમનો ખાતમો કરવા માટે આ હુમલા કર્યા હોવાનું જણાવ્યું હતું. જોકે હુમલા સમયે વાફિક સફા ત્યાં હાજર ન હોવાને કારણે બચી ગયા હતા.ઇઝરાયેલે મધ્ય બૈરુત ઉપર કરેલો આ મોટામાં મોટો હુમલો માનવામાં આવે છે. તેમાં ધરાશાઈ થઈ ગયેલા આઠ માળના મકાનમાં વિસ્થાપિતો આશરો લઈ રહ્યા હતા. ઇઝરાયેલે બૈરુત ઉપરાંત તેના પરા વિસ્તારો અને આસપાસના ગામડાઓ ઉપર પણ ભીષણ બોમ્બવર્ષા કરી હતી.
ગાઝામાં ત્રણ ઇઝરાયેલી સૈનિકોના મોત અમાસના 20 લડાકુઓનો પણ ખાતમો
ઇઝરાયેલી દળોએ શુક્રવારે ગાઝાપટ્ટીના જાબાલીયા શહેરને ઘેરી અને જમીની હુમલો કર્યો હતો. એ નગરમાં હમાસના લડાકુઓ ફરી એક વખત સંગઠિત થઈ ઇઝરાયેલ ઉપર હુમલો કરવાની તૈયારી કરતા હોવાના ગુપ્તચર તંત્રોના અહેવાલ બાદ ઇઝરાયેલે આ જમીની આક્રમણ કર્યું હતું. ઇઝરાયેલી સેનાએ એ નગરના લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપી હતી. જો કે ઇઝરાયેલી હુમલાનો હમાસના લડાકુઓએ સામનો કરતા ત્રણ ઇઝરાયેલી સૈનિકોના મૃત્યુ થયા હતા.
બોક્સ
લેબેનોનમાં યુએનના થાણા પર ઇઝરાયેલનો હુમલો: સ્કીપિંગ ફોર્સના બે જવાન ઘાયલ
દક્ષિણ લેબેનોનમાં નાકવુરા ખાતે યુનાઇટેડ નેશનના પીસ કીપિંગ ફોર્સના ‘બ્લેક હેલ્મેટ બેઝ ‘ તરીકે ઓળખાતા થાણા પર ઇઝરાયેલે ટેન્ક દ્વારા ગોળા બારૂદ ફેંકતા શાંતિ રક્ષક દળના બે જવાનો ઘાયલ થયા હતા. એ થાણા નજીકથી હેઝબોલ્લાહના
આતંકીઓ હુમલા કરતા હોવાને કારણે આ હુમલો કર્યો હોવાનો ઇઝરાયેલે ખુલાસો કર્યો હતો. જોકે આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. ઇન્ડોનેશિયાના યુએન ખાતેના રાજદૂત હેરી પાવેનવોએ ઇઝરાયેલ બેફામ બન્યું હોવાનું અને એક પણ આંતરરાષ્ટ્રીય કાનૂનનો અમલ ન કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો.
નોંધનીય છે કે ઘાયલ થયેલા બંને સૈનિકો ઇન્ડોનેશિયાના હતા. આ શાંતિ રક્ષક દળમાં મહત્વનું પ્રદાન આપનાર ઇટાલીએ આ કૃત્યને વોર ક્રાઈમ ગણાવ્યું હતું. સ્પેન અને આયર્લેન્ડના વડાપ્રધાનોએ પણ આ હુમલાને વખોડ્યો હતો. જોકે અમેરિકાએ દહીં દૂધમાં પગ રાખ્યો હતો. તેના પ્રવક્તાએ જણાવ્યું કે યુએનના થાણા પાસે જ હેઝબોલ્લાહના આતંકીઓ કાર્યરત હોવાને કારણે ઇઝરાયેલ એ હુમલો કર્યો છે પણ તેણે યુએનના થાણા પર જોખમ ન સર્જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.