યુએસના હવાઈ મથકે ઉતરેલા વિમાનના વ્હીલમાંથી લાશ મળી
અમેરિકાના હવાઈ આઇલેન્ડ ખાતે ઉતરેલા એક વિમાનની વ્હીલ વેલમાંથી એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવતા હડકંપ મચી ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર શિકાગોના આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી ઉપડેલ યુનાઇટેડ એરલાઇન્સનું જેત વિમાન હવાઈના એરપોર્ટ પર લેન્ડ થયું તે પછી આ ઘટના પ્રકાશમાં આવી હતી. વિમાન ઉડતું હોય ત્યારે તેના પૈડાં જે જગ્યાએ હોય છે તેને વ્હીલ વેલ કહેવામાં આવે છે.
મહત્વનું એ છે કે વિમાનના એ ભાગમાં માત્ર બહારથી જ પહોંચી શકાય છે. અર્થાત જેની લાશ મળી તે માણસ વિમાન એરપોર્ટ પર ઊભું હોય ત્યારે જ તેમાં સંતાઈ ગયો હોય તે એક માત્ર સંભાવના છે.
વ્હીલ વેલમાં તાપમાન માઇનસ 50 થી માઇનસ ૬૦ ડિગ્રી સુધીનું હોય છે અને એટલી ઠંડીમાં માણસ થીજી જાય છે. જોકે ચમત્કારો તો થયા જ છે. ગત વર્ષે પેરિસ એરપોર્ટ પર લેન્ડ થયેલા એક અલ્ઝેરીયન વિમાનની વ્હીલ વેલમાંથી તેમાં છુપાયેલો માણસ અને 2022 માં એમસ્ટાર્ડમ એરપોર્ટ પર ઉતરેલા આફ્રિકાના વિમાનના વ્હીલ વેલમાંથી જીવિત હાલતમાં બે વ્યક્તિ મળી આવી હતી.