બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે મોહમ્મદ યુનુસની નિમણૂક
હિંસાથી સળગતા રાષ્ટ્રનું સુકાન નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને
ટૂંક સમયમાંમાં નવી સરકારનું ગઠન થશે
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શાંતિ માટેનો નોબલ પુરસ્કાર મેળવનાર અર્થશાસ્ત્રી અને બેન્કર મોહમ્મદ યુનીસની નિમણૂક કરવામાં આવી છે. શેખ હસીનાના રાજીનામા બાદ સર્જાયેલી પ્રવાહી પરિસ્થિતિ વચ્ચે પ્રમુખ મહંમદ શાહબુદ્દીનની લશ્કરની ત્રણે પાંખોના વડા તથા આંદોલનકારી વિદ્યાર્થીઓના 13 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથેની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.
બાંગ્લાદેશમાં હિંસા ભડકી ઉઠ્યા બાદ લશ્કરે સતા હસ્તગત કરી લીધી હતી. આર્મી ચીફ ઝમાને શેખ હસીનાને 45 મિનિટમાં જ દેશ છોડી જવાનો આદેશ કર્યા બાદ શેખ હસીના ભારત આવી પહોંચ્યા હતા. એ સમયે ઝમાને વચગાળાની સરકાર નીમવાની જાહેરાત કરી હતી. તેની સામે આંદોલનકારી વિદ્યાર્થીઓએ સરકારનું સુકાન મોહમ્મદ યુનુસને સોંપવાની માગણી કરી હતી જે સ્વીકારવામાં આવી છે. મોહમ્મદ યુનસ એક-બે દિવસમાં નવી સરકારનું ગઠન કરશે.
નોંધનીય છે કે લશ્કરે સતા હસ્તગત કર્યા બાદ તુરત જ જેલવાસ ભોગવી રહેલા બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલેદા ઝિયાને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. નવી સરકારમાં એ પાર્ટીના નેતાઓ ઉપરાંત બાંગ્લાદેશના કટ્ટરવાદી સંગઠન જમાત એ ઈસ્લામીના નેતાઓને સ્થાન મળશે તેવું માનવામાં આવે છે.
દિલ્હી ઢાકા વચ્ચે સ્પેશિયલ ફ્લાઇટ ઢાકા ખાતે ની રાજદૂત કચેરી કાર્યરત
બાંગ્લાદેશમાં હિંસાની પરિસ્થિતિ વચ્ચે બુધવારે વિશેષ ફ્લાઈટ દ્વારા છ બાળકો સહિત 204 ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા. એ જ રીતે એર ઇન્ડિયા અને ઇન્ડી ગો ની વિશેષ ફ્લાઇટ દ્વારા 405 ભારતીય નાગરિકોને દિલ્હી લઈ આવવામાં આવ્યા હતા. બીજી તરફ ઢાકા ખાતે ની ભારતીય રાજદૂત કચેરીમાંથી બિનઆવશ્યક કર્મચારીઓ અને તેના પરિવારજનોને પણ ભારત બોલાવી લેવામાં આવ્યા છે. જોકે ઢાકા ખાતે ભારતીય રાજપુત કચેરી યથાવત રીતે કાર્યરત હોવાનું વિદેશ મંત્રાલય જાહેર કર્યું હતું.
શેખ હસીના હવે ક્યાં આશ્રય મેળવશે?
શેખ હસીનાનું ભારત ખાતેનું રોકાણ કામચલાઉ હોવાના સ્પષ્ટ નિર્દેશો ભારત સરકારે આપ્યા છે.એ ઉપરાંત યુએસએ અને યુકેમાં આશ્રય મળવાની શક્યતાઓ અત્યંત ધૂંધળી બની ગયા બાદ તેઓ હવે યુએઈ અથવા સાઉદી અરેબિયામાં સ્થાયી આશ્રય મેળવવા પ્રયાસ કરશે તેવું માનવામાં આવે છે.
મોહમ્મદ યુનુસ: બાંગ્લાદેશમાં માઇક્રો ફાઇનાન્સના પાયોનીયર
84 વર્ષના મહમદ યુનુસ જાણીતા અર્થશાસ્ત્રી, બાંગ્લાદેશમાં ગ્રામીણ બેંકના સ્થાપક છે અને માઈક્રો ફાઇનાન્સના પાયાના પથ્થર છે. વિશ્વના સૌથી વધુ ગરીબ લોકોમાં જેની ગણના થાય છે એવા બાંગ્લાદેશના છેવાડાના માનવીઓને લોન સહિતની સુવિધાઓ આપી તેમણે લાખો લોકોને ગરીબી રેખા માંથી બહાર કાઢવાનું કામ કર્યું છે. તેમના આ આર્થિક મોડેલને અન્ય અનેક દેશોએ અપનાવ્યું છે.તેમની આ ઉત્કૃષ્ટ કામગીરીની કદરરૂપે 2006 માં તેમને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે બાંગ્લાદેશમાં ઘર આંગણે તેમણે ખૂબ સંઘર્ષ વેઠ્યો હતો. તેમની અને તેમના સહયોગી સામે મની લોડરીંગ સહિતના 200 કેસ કરવામાં આવ્યા હતા અને આ બધી કાર્યવાહી પાછળ શેખ હસીનાનો હાથ હોવાનું માનવામાં આવે છે. મહંમદ યુનુસ પશ્ચિમના દેશના અનેક નેતાઓ તેમ જ ઉદ્યોગપતિઓ સાથે અંગત સંબંધો ધરાવે છે. વિશ્વના શ્રેષ્ઠતમ બૌદ્ધિકોની યાદીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશની વચગાળાનું સરકારનું સુકાન તેમને સોંપવામાં આવ્યું પણ મોહમ્મદ યુનસ અત્યાર સુધી રાજકારણથી દૂર રહ્યા છે. વચ્ચે એક વખત તેમણે પોતાની રાજકીય પાર્ટીની સ્થાપના કરી હતી પરંતુ થોડા સમયમાં તેનું વિસર્જન કરી નાખ્યું હતું.