નેશનલ સિક્યુરિટી એડવાઈઝર તરીકે ચીનના હાડોહાડ વિરોધી માઈક વોલ્ટઝની નિમણુક
ટ્રમ્પના વહીવટી તંત્રમાં ચીનના વિરોધીઓ અને ભારતના મિત્રોનો દબદબો
ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ ચીન અને ભારત કેન્દ્રિત હોય તે રીતે તેમના વહીવટી તંત્રમાં ચીનના વિરોધી અને ભારતના પરમ મિત્રોની એક પછી એક નિમણૂક થઈ રહી છે. સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ સિક્યુરિટી એડવાઈઝર તરીકે ચીન પ્રત્યે લડાયક અભિગમ ધરાવતા અને ભારતના ચુસ્ત સમર્થક માઈક વોલ્ટઝની નિમણૂક કરી હતી. નોંધનીય છે કે વર્ષ 2023 માં અમેરિકામાં કેપિટલ હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજવામાં તેમની મહત્વની ભૂમિકા હતી.
માઈક વોલ્ટઝ અમેરિકાના 40 સેનેટરોના બનેલા જૂથ ઇન્ડિયન કેકસના વડા છે. એ જૂથની સ્થાપના 2004માં ન્યુયોર્કના તત્કાલીન સેનેટર હિલેરી ક્લિન્ટન અને સેનેટર ઝોન કોનરીને કરી હતી. ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો ગાઢ બનાવવામાં આ જૂથનું મોટું પ્રદાન છે.
50 વર્ષના માઈક વોલ્ટઝ સ્વયં આર્મી નેશનલ ગાર્ડના નિવૃત્ત ઓફિસર છે. તેમણે અફઘાનિસ્તાન, મેડલિસ્ટ અને આફ્રિકાના અનેક દેશોમાં યુદ્ધ અને ગુપ્ત ઓપરેશનોમાં ભાગ લીધો હતો. તેમની આ સેવાઓ બદલ તેમને બ્રોન્ઝ સ્ટાર નો પ્રતિષ્ઠાભર્યોએવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
તેઓ ડિફેન્સ સિક્યુરિટી અને ઇન્ટેલિજન્સ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે અને ચેરમેન હાઉસ આર્મડ સર્વિસ સબ કમિટી ઓન રેડીનેસ અને હાઉસ ફોરેન અફેર્સ કમિટી એન્ડ પરમેનેન્ટ સિલેક્શન કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ વિદેશ નીતિના નિષ્ણાંત છે. મહત્વનું છે કે અમેરિકન આર્મીની મહત્વની પાંખ ‘ ગ્રીન બેરેટ ‘ માંથી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર બનનાર તેઓ પ્રથમ નિવૃત આર્મી ઓફિસર છે. તેમની આગેવાની હેઠળ ડિફેન્સ અને સિક્યુરિટી ક્ષેત્રે ભારત સાથેના સંબંધો વધુ ગાઢ બનશે.
વોલ્ટઝ અમેરિકાના હિતો અને અમેરિકાના સલામતીની વાત આવે ત્યારે અત્યંત આક્રમક અભિગમ માટે પંકાયેલા છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળો પાછો ખેંચવાના જો બાઈડેનના નિર્ણયનો તેમણે વિરોધ કર્યો હતો. માઈક વોલ્ટઝ ચીનને અમેરિકા સામેના સૌથી મોટા ખતરા તરીકે મૂલવે છે. ચીનના પ્રભાવને રોકવા માટે ભારતની ભૂમિકા નું મહત્વ તેઓ જાહેરમાં દર્શાવતા આવ્યા છે. પ્રાદેશિક સ્થિરતા અને સલામતી માટે ભારત સાથે વધુ ઘનિષ્ઠ સંબંધો બનાવવાના તેઓ હિમાયતી રહ્યા છે. કોવિડ વાયરસ માટે ચીનને જવાબદારી ગણાવી તેમણે બેજીંગમાં યોજાયેલ 2021 ના વિન્ટર ઓલિમ્પિક્સનો બહિષ્કાર કરવાની માંગણી કરી હતી.
વિદેશ મંત્રી તરીકે પણ ચીન વિરોધી સેનેટર માર્કો રૂબીઓની વરણી નિશ્ચિત
અમેરિકાના વિદેશ મંત્રી તરીકે ટ્રમ્પે સેનેટર માર્કો રુબીઓની પસંદગી કરી લીધી હોવાનું ન્યુઝ એજન્સી રોઈટર તથા રિપબ્લિકન પ્રતીના વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું હતું. જો તેવું બનશે તો તેઓ પ્રથમ લેટિન અમેરિકન વિદેશ મંત્રી બનવાનો ઇતિહાસ રચશે.
માર્કો રુબીઓ અમેરિકા સામે ચીન,ઈરાન અને ક્યુબા જેવા રાષ્ટ્રોએ સર્જેલા ખતરા ને કડક સાથે ડામી દેવાના હિમાયતી છે.
એશિયામાં ચીનના વધતા જતા પ્રભાવને ખાળવા માટે ભારત સાથેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવવાની તેઓ વકાલત કરતા રહ્યા છે. ચીનમાં માનવ અધિકાર ભંગ, ચીનની વ્યાપારનીતિ તેમજ સાઉથ ચાઇના સમુદ્રમાં ચીનની દાદાગીરીના તેઓ પ્રખર ટીકાકાર છે. ચીન સામે વધુ આર્થિક પ્રતિબંધો લાદવા તેમજ ટેકનોલોજી ટ્રાન્સફર અટકાવવા માટે તેઓ સેનેટમાં માંગણી કરતા રહ્યા છે. 2016 ની અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણીમાં તેમણે રિપબ્લિકન પાર્ટીની આંતરિક ચૂંટણીમાં ટ્રમ્પ સામે ઉમેદવારી નોંધાવી હતી. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ સેનેટર તરીકે ભારત સાથે સુરક્ષા અને વ્યાપાર ક્ષેત્રે સંબંધો વધુ ગાઢ બનાવવામાં તેમનું મહત્વનું પ્રદાન રહ્યું છે.