અમૃતસરમાં અમેરિકી નાગરિક એનઆરઆઈને ઘરમાં ઘૂસી ગોળી મારી
પંજાબના અમૃતસરમાં કેટલાક બદમાશોએ શનિવારે એક એનઆરઆઈ અમેરિકી નાગરિકના ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યાની ઘટના બની હતી. એમની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાહેર થયું હતું. ઘટના સમયે ઘરમાં હાજર બાળકો આરોપીને હાથ જોડીને રોકવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ બદમાશો કોઈ વાત માનવા તૈયાર નહોતા. ગોળીથી ઘાયલ થયેલા એનઆરઆઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. માહિતી પ્રમાણે આરોપીઓ ખંડણી માટે ઘરમાં ઘૂસ્યા હતા. જેને ગોળી મારવામાં આવી છે તેમનું નામ સુખચેનસિંઘ હોવાનું બહાર આવ્યું હતું.
અહીં સવારે આશરે 7 વાગે કેટલાક અજાણ્યા હુમલાખોરો સુખચૈન સિંહના ઘરમાં ઘૂસ્યા હતા. હુમલાખોરો પહેલા તો પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને દલીલો કરી રહ્યા હતા, પછી હાથમાં બંદૂક લઈને ભાગ્યા અને સુખચૈન સિંહને ગોળી મારી દીધી હતી. ગોળી વાગતાની સાથે જ બૂમા-બૂમ મચી ગઈ હતી. ઘરની મહિલાઓ અને બાળકો હાથ જોડીને આરોપીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને ત્રણ ગોળીબાર કર્યા હતા અને ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.
