અમેરિકાએ પન્નુને લઈને ફરી છાણે વીંછી ચડાવ્યો, ભારત પર આરોપ
રો દ્વારા પન્નુની હત્યાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું તેવો નવો આરોપ
અમેરિકા ખાલિસ્તાની રાગ આલાપવાનું ભૂલતો નથી અને તેણે એમના માટે વકીલાત ચાલુ જ રાખી છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને હવે અમેરિકન મીડિયાએ ભારતની તપાસ એજન્સી રો પર સવાલ ઉઠાવ્યા છે અને નવેસરથી ભારતની સામે આંગળી ચીંધવામાં આવી રહી છે.
વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના પૂર્વ અધિકારી વિક્રમ યાદવે એક ટીમને કામ માટે રાખી હતી, અને અમેરિકન ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ પર હુમલાની યોજના બનાવવામાં આવી હતી.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિક્રમ યાદવે પન્નુ વિશે બધી માહિતી મોકલી હતી, જેમાં તેનું ન્યૂયોર્કનું સરનામું પણ સામેલ હતું. વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો હતો, કે વિદેશ મંત્રાલયે તેના લેખ પર કોઈ જવાબ આપવાનો ઈનકાર કરી દીધો હતો.
આ પહેલા નવેમ્બર 2022માં ફાઈનાન્સિયલ ટાઈમ્સેના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકાએ પન્નુની હત્યાના ષડયંત્રને નિષ્ફળ કર્યું હતું. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, પન્નુને ખતમ કરવાના ષડયંત્રમાં ભારત સામેલ હોવાની ચિંતા પર અમેરિકાએ ભારત સરકારને ચેતવણી આપી હતી.