પેરિસના વિશ્વવિખ્યાત એફિલ ટાવરને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી
સમગ્ર ટાવરને ખાલી કરાવ્યા બાદ પોલીસે કરેલા સર્ચમાં કશું વાંધાજનક મળ્યું નથી
પેરિસમાં આવેલા વિશ્વવિખ્યાત એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા ભારે હડકંપ મચી ગયો હતો અને પોલીસ સહિત તંત્ર વાહકો એક્શનમાં આવી ગયા હતા. બોમ્બની માહિતી મળ્યા બાદ એફિલ ટાવરને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યો છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, એફિલ ટાવરને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને શોધખોળ ચાલુ કરી હતી.
એવી માહિતી મળી હતી કે, પેરિસના એફિલ ટાવર પર થોડા કલાકોમાં બોમ્બ વિસ્ફોટ થશે. માહિતી બાદ એફિલ ટાવરના ત્રણ માળને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ નિષ્ણાતોની સાથે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
એક રેસ્ટોરન્ટમાં બોમ્બ સંતાડવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. આ પછી તમામ લોકોને ટાવર છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટ સહિત સમગ્ર ટાવરમાં સર્ચ કરવામાં આવ્યું હતું. કોઈ પણ પ્રકારનો બોમ્બ મળવાની માહિતી મળી નથી.