કેનેડામાં ગાયક એપી ઢીલ્લોના ઘર પર ગોળીબાર કરનાર એક શખ્સની ધરપકડ
કેનેડામાં વિક્ટોરિયા આઇલેન્ડમાં રહેતા લોકપ્રિય પંજાબી ગાયક અને રેપર એપી ઢીલ્લોના ઘર બહાર થયેલા ગોળીબાર કેસમાં પોલીસે 23 વર્ષના અભિજીત કિંગરા નામના ભારતીય યુવાનની ધરપકડ કરી હતી. તેનો સાગરીત વિક્રમ શર્મા ભારત ભાગી ગયો હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી હતી.
તારીખ 2 સપ્ટેમ્બર 2024 ના રોજ આ ગાયકના ઘર બહાર ગોળીબાર થયો હતો તથા હુમલાખોરોએ બે વાહનો પણ સળગાવી દીધા હતા. એ જ દિવસે અન્ય એક જ્વેલરના શોરૂમ ઉપર પણ ગોળીબાર થયો હતો.
એ બન્ને ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગના રોહિત ગોદરાએ લીધી હતી.એ ગેંગ દ્વારા આપવામાં આવેલા સંદેશામાં આગાયક ને સલમાન ખાન સાથે સારા સંબંધ હોવાનું તેમજ તે સલમાનના ખાનના ગીતો સ્ટેજ ઉપર રજુ કરતો હોવાને કારણે ચેતવણી રૂપે ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. એપી ઢીલ્લોને સલમાન ખાન સાથેના સંબંધો અટકાવી દેવા અને નહીંતર કુતરાના મોતે મરવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં બાબા સીદીકીની હત્યા તેમજ સલમાન ખાનને મળેલી ધમકીઓ બાદ બિશ્નોઇ ગેંગ ચર્ચામાં આવી ગઈ છે. કેનેડામાં શીખ આતંકવાદી નિઝરની હત્યા તથા અન્ય શીખો પરના હુમલામાં ભારતીય એજન્ટો અને બિશ્નોઇ ગેંગની સાંઠગાંઠ હોવાનો આ અગાઉ કેનેડાએ આક્ષેપ કર્યો હતો. હવે એપી ઢીલ્લોના ઘર પરના ગોળીબારમાં પણ કથિત રીતે બીશનોઈ ગેંગ નો સભ્ય ગણાતા આરોપીની ધરપકડ કરતાં કેનેડાની ભૂમિ પર એ ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓ ફરી છાપરે ચડીને પોકારવા લાગી છે.