અમેરિકામાં 1000થી વધુ મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી..જુઓ
- USમાં ભારતીયોએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી
- કાર અને બાઈક રેલી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઇ છે ત્યારે દેશવિદેશમાં વસતા ભારતીયોએ આ પ્રસંગની એક તહેવારની જેમ ભવ્ય ઉજવણી કરી છે. બોસ્ટન શહેરમાં વસતા ભારતીય અમેરિકનોએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તથા ભારતના 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી છે. બોસ્ટનથી લગભગ 45 માઈલ દૂર યુનિયન સ્ટેશન ઓફ વોર્સેસ્ટર ખાતે આ સમારોહ યોજાયો હતો જેમાં ભારતીય મૂળના સેંકડો લોકોએ ભાગ લીધો હતો. અમેરિકામાં લગભગ 1000 મંદિરોમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. કેટલાક શહેરોમાં કાર રેલી પણ યોજાઈ છે. મંદિરોમાં હવન કરવામાં આવ્યા છે તથા શ્રદ્ધાળુઓને પ્રસાદ વહેંચવામાં આવ્યો છે.
હિંદુ યુનિવર્સિટી ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ કલ્યાણ વિશ્વનાથને જણાવ્યું કે અયોધ્યા વિનાશ અને ઉપેક્ષામાંથી બહાર આવી રહ્યું છે. તે સનાતમ ધર્મના શાશ્વત પ્રતિક સમાન છે. 550 વર્ષના સંઘર્ષ પછી રામ લલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જે વિશ્વભરમાં વસતા લગભગ એક અબજ હિંદુઓ માટે અત્યંત આનંદનો પ્રસંગ છે. ટેક્સાસમાં શ્રી સીતા રામ ફાઉન્ડેશન દ્વારા હ્યુસ્ટનના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવામાં આવ્યો હતો.
અમેરિકન મંદિરોમાં સૌથી પહેલા સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી નૃત્ય, ગીત અને સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ત્યાર પછી હવન કરવામાં આવ્યો હતો અને શ્રી રામની મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અંતમાં પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ માટે અયોધ્યાથી ખાસ પવિત્ર રજ (ધૂળ) અમેરિકા લાવવામાં આવી હતી.