ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયા બાદ અમેરિકામાં ફરી ગોળીબારની 2 ઘટનામાં 7 ના મોત
9 લોકો ઘાયલ થયા : નાઈટ ક્લબમાં બેફામ ગોળીબાર અને એક ઘરની બહાર રોડ પર ગોળીબાર થયો
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના બન્યા બાદ અમેરિકા ફરી ફાયરિંગથી ધ્રુજી ઊઠ્યું હતું. અહીંના બર્મિંધમ સ્થિત એક નાઈટ ક્લબમાં શનિવારે મોડી રાત્રે ગોળીબારની ઘટના બની હતી. જેમાં ચાર લોકોના મોત અને 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ પહેલા શહેરના એક ઘર બહાર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં એક નાના બાળક સહિ ત્રણ લોકોના મોત થયા હતા.
બર્મિંધમ પોલીસ વિભાગના અધિકારી ટ્રૂમૈન ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું કે, 27મી સ્ટ્રીટ નોર્થના 3400 બ્લૉકમાં આવેલા એક નાઈટ ક્લબની બહાર ફાયરિંગ થયું છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ રાત્રે 11.00 કલાકે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તુરંત કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જેમાં બે મહિલાઓ પણ સામેલ છે.
આ પહેલા બર્મિંધમમાં જ એક ઘરની બહાર ફાયરિંગની ઘટના બની હતી. બર્મિંધમમાં ઈન્ડિયન સમર ડ્રાઈવ સ્થિત 1700 બ્લોકમાં સાંજે 5.20 કલાકે ફાયરિંગ થયું હતું, જ્યાં ઘરની બહાર એક વાહન પર ગોળીઓ વરસાવવામાં આવી હતી, જેમાં વાહનમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં એક પુરુષ, એક મહિલા અને એક લગભગ પાંચ વર્ષનું બાળક હતું. પોલીસે કહ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે.