અમેરિકામાં આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર 25 ટકા ટેરિફ
અમેરિકાના પ્રમુખ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતાં સ્ટીલ અને એલ્યુિનિયમ પર 25 ટકા ટરિફની જાહેરાત કરી હતી.આ ઉપરાંત તેઓ અમેરિકા સાથે વ્યાપાર કરતા દેશો માટે પારસ્પરિક સમકક્ષ ટેરિફ અંગે પણ મંગળવાર અથવા બુધવારે જાહેરાત કરશે.ટ્રમ્પના આ નિર્ણય થી કેનેડા અને મેક્સિકો ઉપરાંત ભારતને પણ મોટો આર્થિક ફટકો પડવાની સંભાવના છે.
રવિવારે એર ફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા પારસ્પરિક ટેરિફ અંગે પોતાનું વલણ ફરી એક વખત સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે જો કોઈ આપણા ઉત્પાદનો ઉપર ટેરિફ વસૂલે છે તો આપણે પણ તેમના ઉપર ટેરિફ લાદીશું. તેમણે કહ્યું કે તે ટેરિફ એ દેશોના સમકક્ષ હશે અને એ બધા દેશોને લાગુ પડશે.

પારસ્પરિક ટેરિફની જાહેરાતને પગલે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ મળી રહ્યાં છે. ખાસ કરીને ગરીબ અને વિકસતા દેશોના અર્થતંત્રને ગંભીર ફટકો પડવાની સંભાવના છે. ટ્રમ્પે શરૂ કરેલા ટ્રેડ વોરને કારણે સપ્લાય ચેનમાં ખલેલ પડવાની ભીતિ સેવાઈ રહી છે.બીજી તરફ ટ્રમ્પની આર્થિક નીતિઓનો અમેરિકાના સાથી એવા યુરોપના દેશોમાં પણ વિરોધ શરૂ થયો છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપરના 25% ટેરીફની સૌથી વધારે અસર મેક્સિકો અને કેનેડાને થશે.
ફ્રાન્સના પ્રમુખ મેક્રો એ અમેરિકા જેટલા જ વળતા ટેરિફ લાદવાની ચેતવણી આપતાં વિશ્વમાં નવું વ્યાપાર યુદ્ધ આકાર લઇ રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
સેન્સેક્સ ધડામ, રૂપિયો ઐતિહાસિક તળિયે:નિકાસ ઉપર ગંભીર અસર થશે
વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાતના આગલા દિવસે જ આ જાહેરાત કરીને ટ્રમ્પે ભારતને ઝાટકો આપ્યો છે.
આ જાહેરાતને પગલે સેન્સેકસમાં 548 પોઇન્ટનું ગાબડું પડ્યું હતું.ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે પહોંચ્યો હતો. સોમવારના પ્રારંભિક વિનિમયમાં રૂપિયો 87.94 પૈસા સુધી ગગડયો હતો. ટાટા સ્ટીલ, વેદાંત લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, નેશનલ એલ્યુમિનિયમ કંપની, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર તથા એનએમડીસી જેવી મેટલ કંપનીઓના શેરના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ પારસ્પરિક ટેરિફને પગલે ભારતની નિકાસને પણ ગંભીર અસર થવાની વકી છે.નોંધનીય છે કે વર્ષ 2023માં ભારતે અમેરિકામાં ચાર અબજ ડોલરના સ્ટીલ તથા 1.1 અબજો ડોલરના એલ્યુમિનિયમની નિકાસ કરી હતી.આ ઉપરાંત ભારત અમેરિકામાં કાપડ અને વસ્ત્રો,દવાઓ,મશીનરી અને ઓટો પાર્ટ્સ સહિતના એન્જીન્યરીંગ ઉત્પાદનો તેમ જ ચોખા,મસાલા અને સી ફૂડ ની જંગી નિકાસ કરે છે.