કેનેડામાં સતાધારી લિબરલ પાર્ટીના જ 23સાંસદોએ જસ્ટિન ટુડો નું રાજીનામું માગ્યું
નીજ્જર હત્યા કેસમાં ભારતની સંડોવણીના વાહિયાત આક્ષેપો કરનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો સામે હવે ઘર આંગણે વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે.. બુધવારે તેમની લિબરલ પાર્ટીના જ 23 સાંસદોએ તેમનું રાજીનામું માંગતા ટુડો ચારે તરફથી ઘેરાઈ ગયા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
બુધવારે લિબરલ પાર્ટીના 23 સાંસદોએ ટુડોને ચોથી ટર્મમાં ઉમેદવારી ન કરવાનો અને 28 ઓક્ટોબર સુધીમાં રાજીનામું આપી દેવાનો અનુરોધ કરતો પત્ર લખ્યો હતો. ટુડો એ માગણી ન સ્વીકારે તો ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની પણ એ પત્રમાં ચીમકી આપવામાં આવી હતી. બુધવારે લિબરલ પાર્ટીના સાંસદોની બેઠકમાં એ પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.
તેમાં સહી કરનાર સાંસદ કેન મેકડોનાલ્ડએ કહ્યું કે ટુડો એ હવે અમને અને લોકોને સાંભળવા પડશે. તેમને કારણે લિબર્ટી ની લોકપ્રિયતામાં ધરખમ ઘટાડો થયો છે અને આવતા વર્ષે યોજનારી ચૂંટણી લડવા ઈચ્છતા નેતાઓ પરાજયનો ભય નિહાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ થયેલા છેલ્લા સર્વેમાં માત્ર 25% મતદારોએ લિબરલ પાર્ટી ઉપર પસંદગી ઉતારી હતી જ્યારે 38% મતદારોએ કન્ઝર્વેટીવ પાર્ટીને સૂકાન સોંપવાનો મત વ્યક્ત કર્યો હતો. થોડા સમય પહેલા ટોરેન્ટો અને મોન્ટ્રીયલ જિલ્લામાં થયેલી વિશેષ ચૂંટણીમાં લીબરલ પાર્ટીના પરાજય બાદ ટુડોની નેતૃત્વ ક્ષમતા સામે સવાલો ઊભા થયા છે.
એ બંને જિલ્લામાં દાયકાઓથી લિબરેલ પાર્ટી વિજયી થતી રહી છે ત્યારે ત્યાં પરાજય મળતાં લિબરલ પાર્ટી સ્તબ્ધ બની ગઈ હતી. જસ્ટિન ટુડોએ 2025 માં યોજાનારી ચૂંટણીમાં સતત ચોથી વખત ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કર્યા બાદ હવે પક્ષમાં જ બળવાના એંધાણ વર્તાવા લાગ્યા છે. અત્રે એ યાદ કરવું પણ જરૂરી છે કે કેનેડામાં એક પણ વડાપ્રધાન છેલ્લા 100 વર્ષમાં સતત ચોથી વખત ચૂંટણી જીતી શક્યા નથી.