બાંગ્લાદેશમાં શું થયું ? ફરી હિંસામાં કેટલાના મોત થયા ? વાંચો
શેખ હસીનાના રાજીનામાની માંગણી : ઠેર ઠેર સરકાર સામે રેલીઓ
બાંગ્લાદેશમાં રવિવારે ફરીથી સરકાર વિરોધી પ્રદર્શનો મોટા પાયે શરૂ થયા હતા. રાજધાનીમાં ફરી એકવાર હજારો લોકો રસ્તા પર ઉતરીને ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરવા લાગ્યા હતા. આ દરમિયાન શેખ હસીનાના ટેકેદારો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ખૂની ટક્કર થઈ હતી જેમાં 50 લોકો માર્યા ગયા હતા. સમગ્ર દેશમાં કર્ફ્યૂ લાગુ કરી દેવાયો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ પ્રદર્શનકારીઓ અને સત્તાધારી આવામી લીગના સમર્થકો વચ્ચે રવિવારે અથડામણ થઈ, જેમાં ઓછામાં ઓછા 50 લોકોનાં મોત થયાં અને 30 અન્ય ઘાયલ થયા હતા.
ગયા મહિને નોકરીમાં અનામત માટેના વિરોધ પ્રદર્શન દરમિયાન 200થી વધુ લોકોનાં મોત થયાં હતાં. પ્રદર્શનકારીઓ મૃત્યુ પામેલા લોકો માટે જે જવાબદાર છે તેમની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં ફરી ભડકેલી હિંસા પછી દેશમાં ફરીથી અનિશ્ચિત મુદતનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.
પ્રદર્શનકારીઓ અસહકાર આંદોલનના પ્રથમ દિવસે રાજધાનીના સાયન્સ લેબ ચોક પર પણ એકત્રિત થયા અને તેમણે સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શનના સંયોજકોએ જણાવ્યું કે ઢાકાના સાયન્સ લેબ, ધાનમંડી, મોહમ્મદપુર, ટેકનિકલ, મીરપુર-10, રામપુરા, તેજગાંવ, ફાર્મગેટ, પંથપથ, જત્રાબાડી અને ઉત્તરામાં પણ પ્રદર્શનો અને રેલીઓનું આયોજન કરવામાં આવશે.