પાકિસ્તાનમાં હજારા એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા15 લોકોના મૃત્યુ, 50થી વધુ ઘાયલ
પાકિસ્તાનમાં આજે રવિવારે હચમચાવી નાખે તેવો ટ્રેન અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રાવલપિંડી જતી બાલી હજારા એક્સપ્રેસ પાટા નીચે ઉતરી જતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં શહઝાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલ સહારા રેલ્વે સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 15 લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે.
50 લોકોને ગંભીર ઇજા પહોંચી
રિપોર્ટ અનુસાર આ ટ્રેન દુર્ઘટનામાં લગભગ 15 લોકોને કાળ આંબી ગયો છે, જ્યારે 50 લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે ટ્રેનમાં મોટી સંખ્યામાં મુસાફરો હોવાની બનાવ નજીક રોકકળાટથી કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં સારવાર
અકસ્માતના પગલે રેસ્ક્યુ પુરજોશમાં ચાલી રહ્યું છે. હાલ ઘવાયેલા લોકોને સારવાર અર્થે નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ ટ્રેનમા વધુ મુસાફરો સવાર હોવાથી મોત અને ઘાયલ લોકોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે.વધુમાં ટ્રેન ક્યાં કારણોસર પાટા પરથી ઉતરી ગઇ તે મામલે પણ હજુ સુધી સ્પષ્ટ કારણ સામે ન આવ્યું હોવાનું અધિકારીએ કહ્યું છે.
અકસ્માત બાદ ઘટના સ્થળે દોડી ગયેલા અધિકારીઓ ટ્રેનના કેટલા ડબ્બા ઉતરી ગયા તે મામલે વિગત અંગે અમૂક અધિકારીએ 5 તો અમૂક અધિકારીએ 8 અને અમુક અધિકારીએ 10 ડબ્બા મામલે પુષ્ટિ કરી છે.