પાકિસ્તાનમાં મોંઘવારીનો મારઃ પેટ્રોલમાં રૂ. 26નો તો ડીઝલમાં રૂ. 17નો વધારો
ઇસ્લામાબાદ
પાકિસ્તાનમાં લોકો મોંઘવારી ત્રસ્ત છે. પાણીપીણીની ચીજવસ્તુઓની વધતી કિંમતોની સાથે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. સરકારે અહીં રાતોરાત પેટ્રોલ અને ડીઝલની કિમતોમાં વધારો કર્યો છે. અહીં પેટ્રોલની કિંમતોમાં લિટરીઠ રૂ. 26.02 અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર રૂ. 17.34નો વધારો કરવામાં આવ્યો છે. જેથી પેટ્રોલ પ્રતિ લિટર રૂ. 331.38 પૈસા અને ડીઝલ રૂ. 329.18એ વેચાઈ રહ્યું છે.
પાકિસ્તાનમાં સરકાર દ્વારા પેટ્રોલની કિંમતોમાં રૂ. 10-14નો વધારો કરવાની આશંકા દર્શાવવામાં આવતી હતી સરકારે વધતી ઓઇલની કિંમતોનો હવાલો આપતાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો વધારી હતી. પાકિસ્તાન સરકાર દરેક પખવાડિયે પેટ્રોલિયમ કિંમતોની સમીક્ષા કરે છે. જોકે આ પહેલાં પાકિસ્તાની સરકારે ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયામાં થયેલા ઘટાડાનો બોજ જનતા પર નહોતો નાખ્યો.
તાજેતરમાં જ પાકિસ્તાનમાં વધતી મોંઘવારી અને વીજળીના બિલના વિરોધમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. લાહોર, કરાચી અને પેશાવરથી વેપારીઓએ દેશભરમાં દુકાનો બંધ કરી દીધી હતી. જ્યારે કાર્યકારી વડાપ્રધાન અનવર ઉલ હક કાકરને વધતી મોંઘવારી પર પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે લોકોએ બિલ ચૂકવવાં પડશે. આ સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
