ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાન પહેલીવાર ટી-૨૦ શ્રેણી જીત્યું
વૉઈસ ઑફ ડે, નવીદિલ્હી
પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીની બીજી મેચમાં ન્યુઝીલેન્ડને ૧૦ રને હરાવીને શ્રેણી કબજે કરી છે. આ શ્રેણીની પ્રથમ મેચમાં તેણે ૭ વિકેટે જીત હાંસલ કરી હતી. આ સાથે જ ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦થી તે આગળ થઈ ગઈ છે. પાકિસ્તાને પહેલી વખત ન્યુઝીલેન્ડ સામે ટી-૨૦ શ્રેણી જીતી છે.
બીજી બાજુ એશિયા અને આયર્લેન્ડ બહાર પાકિસ્તાનની પહેલી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય જીત છે. ટીમને પાંચ વર્ષ બાદ ઘરની બહાર ટી-૨૦ શ્રેણી જીતવામાં સફળતા મળી છે. ટીમે આ પહેલાં ૨૦૧૮માં છેલ્લે ઘર બહાર બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રેણી જીતી હતી.
આ મેચમાં ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં પાકિસ્તાને ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩૭ રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડ સાત વિકેટ ગુમાવીને ૧૨૭ રન જ બનાવી શક્યું હતું. પાકિસ્તાનની આ જીતમાં આલિયા રિયાઝ અને ફાતિમા સનાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ટીમ માટે મુનીબા અલીએ સૌથી વધુ ૨૮ બોલમાં ૩૫ રન બનાવ્યા હતા. તેના ઉપરાંત આલિયાએ ૨૨ બોલમાં અણનમ ૩૨ રનનું યોગદાન આપ્યું હતું.