દીલ્હીથી ચોરાયેલી ક્રીપ્ટોકરન્સી હમાસ સુધી પહોંચી
દીલ્હીનાં ડીસીપીએ આપી માહિતી, વેપારીની 2021 માં 4 કરોડની ક્રીપ્ટો ચોરાઇ હતી અને તેની તપાસમાં ધડાકો થયો
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ખૂંખાર યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસનું ચોંકાવનારું ગુનાહિત ભારતીય કનેક્શન સામે આવ્યું છે. રાજધાની દિલ્હીમાંથી ચોરાયેલી ક્રિપ્ટો કરન્સી હમાસ સુધી પહોંચી છે. દિલ્હી પોલીસની તપાસમાં આ ખુલાસા બાદ સુરક્ષા એજન્સીઓ ચોંકી ગઈ છે. દિલ્હીથી ક્રિપ્ટો કરન્સી ચોરી મામલે પૂર્વ ડીસીપી કેપીએસ મલ્હોત્રાની ટીમે તપાસ કરી હતી. મલ્હોત્રાએ મંગળવારે તેની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે, અમારી તપાસમાં અમને અલ કસ્સાસ બ્રિગેડ સાથે સબંધિત અનેક વોલેટ મળ્યા છે.
પોલીસે જણાવ્યું કે, આ મામલો પહેલી વખત 2019માં પશ્ચિમ વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને બાદમાં અદાલતના આદેશ પર તપાસને સ્પેશિયલ સેલને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.
એક અહેવાલ પ્રમાણે 2021માં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પશ્ચિમી દિલ્હીના એક બિઝનેસમેનના વોલેટમાંથી લગભગ 4 કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી ચોરીના મામલાની તપાસ કરી રહી હતી. ચોરી બાદ શરૂઆતમાં ટ્રાન્સફર કરવામાં આવેલ વોલેટ આઈડી વિશે જાણવામાં પોલીસને સફળતા મળી હતી પરંતુ તમામ કરન્સીને અંતે કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી તે ટ્રેક કરવું દિલ્હી પોલીસ માટે મુશ્કેલ બની ગયુ હતું.
ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે પોતાના ભારતીય સમકક્ષો સાથે નિયમિત ગુપ્ત સૂચના આદાન-પ્રદાનના ભાગરૂપે આતંકી ફન્ડિંગ માટે આતંકવાદી સમૂહો દ્વારા સંચાલિત કેટલાક શંકાસ્પદ વોલેટ વિશે જાણકારી આપી હતી.
બીજી તરફ દિલ્હીમાં ચોરાયેલી ક્રિપ્ટો કરન્સીના અંતિમ વપરાશકર્તા વિશે જાણવા માટે સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપ્સ યુનિટના વોલેટને લઈને એક સિમ્યુલેશન ચલાવ્યું હતું. સંભવિત મેચ પર નજર રાખવામાં આવી રહી હતી. ત્યારે જાણવા મળ્યું કે, દિલ્હીથી બિટકોઈન અને ઈથેરિયમ કરન્સી કેટલાય એવા વોલેટમાં મોકલવામાં આવી હતી જે હમાસની સાયબર ટેરર વિંગ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી.
લિસ્ટમાં અનેક વોલેટ એડ્રેસ પેલેસ્ટાઈન ચરમપંથી સમૂહ હમાસના અલ કસ્સામ બ્રિગેડ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા હતા. જોકે, તેને ટેરર ફન્ડિંગના આરોપમાં ઈઝરાયેલના રાષ્ટ્રીય બ્યૂરો દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા હતા.