ચીને ફરી ભારતની ઊશકેરણી કરી, એલએસી પર વધુ સૈન્ય ગોઠવ્યું
પેન્ટાગોનના અહેવાલમાં ધડાકો, હેલીપેડ, રસ્તા અને અન્ડરગ્રાઉન્ડ સ્ટોર પણ બનાવી લીધા
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
ચીન વારંવાર ભારત વિરોધી પેતરા કરતું રહે છે અને તેણે પોતાની આ હરકતો ચાલુ જ રાખી છે. ભારતની ઊશકેરણી કરવાની એક પણ તક જતી નહીં કરનાર આક્રમણખોર ચીનએ ફરી નકારાત્મક પગલાં લીધા છે. અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે ચીને મોટા પાયે પોતાના સૈનિકો એલએસી પર તૈનાત કર્યા છે. તેમજ ચીન અન્ડરગ્રાઉન્ડ સ્ટોર્સ, રસ્તાઓ, એરફિલ્ડ્સ અને હેલિપેડ બનાવી રહ્યું છે.
પેન્ટાગોને એમ પણ કહ્યું છે કે ચીન પાસે આજે 500 થી વધુ પરમાણુ હથિયારો છે. ચીન 2030 સુધી પરમાણુ હથિયારની સંખ્યા 1000થી વધુ અને લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલનો ખજાનો કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.
અમેરિકા પાસે 3750 એક્ટીવ પરમાણુ હથિયાર છે. તેમજ રશિયા પાસે 5889 છે. જયારે આ બાબતમાં ભારત અને પાકિસ્તાન ઘણા પાછળ છે. જેમાં ભારત પાસે 164 અને પાકિસ્તાન પાસે 170 હથિયાર છે. પેન્ટાગોને કહ્યું કે ચીન પરંપરાગત જમીન, હવા અને સમુદ્ર તેમજ પરમાણુ, અવકાશ, કાઉન્ટર-સ્પેસ, ઈ-વોરફેર અને સાયબર સ્પેસ સહિત યુદ્ધના તમામ ક્ષેત્રોમાં તેની ક્ષમતાને સતત વધારી રહ્યું છે. આમ કરીને તે પોતાની સેનાને આધુનિક બનાવી રહ્યું છે. પેન્ટાગોનનો અહેવાલ જણાવે છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 2049 સુધીમાં ચીનની મીલીટરીને વર્લ્ડ ક્લાસ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
પેન્ટાગોને કહ્યું કે ચીને ગયા વર્ષે વેસ્ટર્ન ઝોનમાં સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો હતો. દરેક રેજીમેન્ટમાં સામાન્ય રીતે ટેંક, તોપખાના, એર સિક્યુરિટી મિસાઈલ અને અન્ય હથિયાર સાથે 4500 સૈનિકો હોય છે. આ ઉપરાંત એલએસી પર ડોક્લામ પાસે ત્રણ ક્ષેત્રમાં નવા રસ્તા, પેંગોંગ ઝીલ પર એક નવો પુલ, એક એરપોર્ટ અને હેલીપેડ બનાવવામાં આવે છે.