ઇઝરાયલે માનવતા નેવે મૂકી : ચાર હોસ્પિટલ પર હુમલા
અલ શિફામાં 13ના મોત,અનેક ઘાયલ
સ્વરક્ષણના અધિકારના નામે હવે ઇઝરાયલે ગાઝાની હોસ્પિટલો ઉપર પણ હુમલા શરૂ કર્યા છે. ગાઝા શહેરની સૌથી મોટી અલ શીફા હોસ્પિટલ ઉપર વાયુસેનાએ કરેલા બોમ્બમારામાં ઓછામાં ઓછા ૧૩ લોકો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા. એ હોસ્પિટલમાં ચોમેર પડેલા મૃતદેહો, લોહીથી લથબથ ઘાયલ બાળકો અને મહિલાઓ તેમજ પરિવારજનોના કરુણ આક્રંદના દ્રશ્યોએ વિશ્વને સ્તબ્ધ કરી દીધું હતું
ઇઝરાયલ સેનાએ ગાઝા શહેરની ત્રણ અને ઉત્તર ગાઝાની ઈન્ડોનેશિયા હોસ્પિટલ ને બખતરીયા વાહનો અને ટેંકો વડે ચારે તરફથી ઘેરી લઈ હુમલા શરૂ કર્યા હતા. આ હોસ્પિટલમાં માત્ર દર્દીઓ અને ઘાયલો જ નહીં પરંતુ બેઘર બની ગયેલા હજારો બાળકો અને મહિલાઓ આશરો લઈ રહ્યા છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે અલ શીફા હોસ્પિટલ ઉપર પાંચ વખત બોમ્બમારો કરવામાં આવ્યો હતો. અલ નાસર મેડિકલ સેન્ટરમાં આવેલી બાળકોની બે હોસ્પિટલો ઉપર પણ ઇઝરાયલે બોમ્બ ફેક્યા હતા. એ હુમલામાં બે લોકોના મૃત્યુ થયા હતા. પેલેસ્ટેનિયન રેડ ક્રીસેન્ટ સોસાયટીના જણાવ્યા અનુસાર શુક્રવારે જ અલ કવાદ હોસ્પિટલ ઉપર પણ બોમ્બર્ડિંગ થયું હતું જેમાં એક દર્દીનું મૃત્યુ થયું હતું. અલ શીફા હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર અહેમદે જણાવ્યું કે ઈઝરાયેલ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો અને મૃત્યુ સામે ઝઝૂમી રહેલા દર્દીઓને પણ હોસ્પિટલ છોડવા માટે અમાનવીય દબાણ કરી રહ્યું છે.
કોને બચાવવા, કોને મરવા દેવા?
અલ શીફા હોસ્પિટલના વડા ડોક્ટર મોહમ્મદ અબુ સાલામિયાએ કહ્યું કે સેકડો બીમાર દર્દીઓ અને ઘાયલો હોસ્પિટલની લોબીઓ અને પ્રાંગણમાં પડ્યા છે. અમે સર્જીકલ ઓપરેશન કરી શકતા નથી. ઘાયલો માટે એક પણ પથારી નથી. અમારે હવે એ દુઃખદાયક નિર્ણય લેવો પડે છે કે કોને બચાવવાનો પ્રયાસ કરવો અને કોને મરવા દેવા.
હોસ્પિટલો પર 270 હુમલા
ઇઝરાયલે આંતરરાષ્ટ્રીય કાનૂન નું છડે ચોક ઉલ્લંઘન કરી હોસ્પિટલો અને રહેણાક મકાનો ઉપર અંધાધુંધ બોમ્બ વરસાવ્યા છે. ગાઝાના 50 ટકા કરતાં વધારે મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે. ઇઝરાયલે અત્યાર સુધીમાં ગાઝાની હોસ્પિટલો અને દવાખાના ઉપર 270 હુમલા કર્યા છે. ગાઝાની 35 માંથી 22 હોસ્પિટલો બંધ થઈ ગઈ છે. 72 દવાખાના માંથી 51 દવાખાના બંધ પડ્યા છે અને 37 એમ્બ્યુલન્સ નાશ પામી છે.
મૃત્યુ આંક વધતો જાય છે
અત્યાર સુધીમાં ગાઝામાં 11,78 લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી 4600 કરતાં વધારે બાળકો અને 3500 થી વધુ મહિલાઓ છે. 27,490 લોકો ઘાયલ થયા છે. વેસ્ટ બેંકમાં પણ ઇઝરાયલે 183 પેલેસ્ટેનીયન નાગરિકોને મારી નાખ્યા છે જ્યારે 2406 ઘાયલ થયા છે. હમાસે કરેલા હુમલામાં ઇઝરાયલે અગાઉ જાહેર કરેલા આંકડામાં ઘટાડો કરી 1205 લોકો માર્યા ગયા હોવાનું જાહેર કર્યું હતું.