આજે કોની વચ્ચે યુધ્ધ ફાટી શકે છે ? કોણે આપ્યો સંકેત ? વાંચો
અમેરિકી તંત્રનો સંકેત; ટેન્શન વધ્યું , અમેરિકી આર્મીના જનરલ મધ્ય- પૂર્વ પહોંચ્યા; હાનીયેના મોતનો બદલો લેવા તૈયારી; દુનિયાભરમાં ચિંતા
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ભયંકર દુશ્મનાવટ થઈ છે. ઈરાને હમાસ પોલિટબ્યુરોના ચીફ ઈસ્માઈલ હાનિયાના મોતનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે ત્યારે અહેવાલ છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ હુમલાને મંજૂરી આપી દીધી છે અને ઈરાની સેના સોમવારે એટલે કે આજે ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. અમેરિકા ઇઝરાયલને બચાવવા મેદાને છે.
હાનિયાના મોત બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે. આ દરમિયાન અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જનરલ માઈકલ કુરિલા શનિવારે ઈઝરાયેલ પહોંચ્યા હતા. જો કે તેમની મુલાકાતનું આયોજન અગાઉથી કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે, પરંતુ તેને ઈઝરાયેલના સંરક્ષણમાં તાકાત એકત્ર કરવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
ઇઝરાયેલ માટે સોમવાર શા માટે મહત્વપૂર્ણ છે?
અમેરિકન અને ઈઝરાયેલના અધિકારીઓએ સંકેત આપ્યા છે કે ઈરાન સોમવારે જ ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. જો કે, એવું પણ માનવામાં આવે છે કે તેહરાન 12 ઓગસ્ટ, સોમવારે તેલ અવીવ પર હુમલો કરી શકે છે.
ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાને ઈઝરાયેલને નુકસાન પહોંચાડવા માટે તિશા બાવનો પ્રસંગ પસંદ કર્યો છે. આ દિવસ ઇઝરાયેલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આમાં યહૂદી લોકો ઉપવાસ કરે છે, જે 12 ઓગસ્ટથી શરૂ થાય છે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહે છે.
વાસ્તવમાં, યહૂદી માન્યતા અનુસાર, આ દિવસે તેમના પૂર્વજો પર ઘણી આફતો આવી હતી. આ દિવસે, જેરુસલેમમાં યહૂદીઓનું મુખ્ય મંદિર સોલોમનનું મંદિર, પ્રાચીન રોમન સામ્રાજ્ય દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ઈરાન આ દિવસે ફરી એકવાર ઈઝરાયેલ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે, જેથી તેના જૂના જખમો તાજા કરી શકાય.
ઇઝરાયલ પર રોકેટમારો
દરમિયાનમાં રવિવારે મળેલા અહેવાલો મુજબ લેબેનોનમાંથી ફાઇટર ગ્રુપ હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયલના અલગ અલગ શહેરોમાં ભારે રોકેટમારો કરાયો હતો. શહેરોમાં સાયરનો ગુંજી ઉઠી હતી. જો કે આયર્ન ડોમને લીધે ઇઝરાયલને કોઈ ખાસ નુકસાની થઈ નથી. લેબેનોનમાં ઇઝરાયલ દ્વારા એક કમાન્ડરની હત્યા કરાઇ હતી અને તેને લઈને લડાઈ શરૂ થઈ છે.