આઇસલેન્ડમાં 24 કલાકમાં ધરતી કંપના 800 આંચકા
દોઢ મહિનામાં 24 હજાર ધ્રુજારી
ધરતી સતત ધ્રુજતી રહી,ઈમરજન્સી જાહેર
નોર્થ એટલાન્ટિક અને આર્કટિક સમુદ્ર વચ્ચે આવેલા યુરોપના દેશ આઈસલેન્ડમાં શુક્રવારે 24 કલાકમાં ભૂકંપના 800 આંચકા આવતા સમગ્ર દેશમાં ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી હતી. રિચર સ્કેલ પર સૌથી વધુ 5.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
શુક્રવારે આઇસલેન્ડના દક્ષિણ પશ્ચિમ વિસ્તારનો
રેયકજેમ્સ દ્વીપકલ્પ એક પછી એક શ્રેણીબદ્ધ શક્તિશાળી ધરતીકંપોથી ધ્રૂજતો રહ્યો હતો. આટલી મોટી સંખ્યામાં થયેલા આંચકાઓ જ્વાળામુખીનો વિસ્ફોટ થવાના નિર્દેશ આપતો હોવાની સરકારે ચેતવણી આપી હતી. આઇસલેન્ડના ગ્રીનડાવીક નામના ગામ નજીકના વિસ્તારોમાં ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 24000 ધ્રુજારી આવ્યું હોવાનું નોંધાયું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં પાંચ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.જો એ કેન્દ્રબિંદુ ઉચકાતું જશે તો જ્વાળામુખીનો વિસ્ફોટ થશે તેવી આગાહી કરવામાં આવી છે. એ સંભાવના ને લક્ષમાં લઈ ગામના 4000 લોકોના સ્થળાંતર કરવાની સરકારે તૈયારી પૂર્ણ કરી લીધી હતી. શ્રેણીબદ્ધ આંચકાઓને પગલે વિશ્વવિખ્યાત પર્યટન સ્થળ બ્લુ લગુનની હોટલો અને રિસોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા.
આ તરફ જાપાનમાં જ્વાળામુખી વિસ્ફોટે બનાવ્યો નવો ટાપુ
કુદરતની લીલા અપરંપાર છે. હિમાલયાનું નિર્માણ ધરતીકંપ અને જ્વાળામુખીને કારણે થયું હતું. કુદરત જળ ત્યા સ્થળ અને સ્થળ ત્યાં જળ સર્જી શકે છે તેનું વધુ એક દ્રષ્ટાંત જાપાનમાં જોવા મળ્યું છે. જાપાનના દરિયામાં સતત દસ દિવસ સુધી સમુદ્રના તળિયે પડેલા જ્વાળામુખીઓમાં થયેલા વિસ્ફોટોને કારણે ઓગાસવારા ટાપુ શૃંખલા વચ્ચે એક નવો નાનકડો 100 મીટર નો ડાયામીટર ધરાવતો ટાપુ બન્યો છે. આ અગાઉ 2013માં પણ સમુદ્રના જ્વાળામુખી વિસ્ફોટ થી નવા ટાપુનું નિર્માણ થયું હતું જેને નીશીનોશીમા નામ આપવામાં આવ્યું છે.