અમેરિકામાં અશ્વેત મહિલાનું પોલીસ ગોળીબારમાં મોત
અમેરિકાના લોસ એન્જેલસમાં ઘરેલુ હિંસા મામલે મદદ માટે પોલીસને ફોન કરનાર એક મહિલાનું જ પોલીસ ગોળીબારમાં મૃત્યુ થતાં ચકચાર જાગી છે. 27 વર્ષની નીઆની ફીનલાયન્સ નામની મહિલાએ તેનો બોયફ્રેન્ડ ઘરમાંથી બહાર જવાનો ઇનકાર કરતો હોવાનું જણાવી પોલીસ મદદ માટે 911 માં ફોન કર્યો હતો. એ સમયે ફોનમાં ચીસાચીસ તથા ઘર્ષણ થતું હોવાના અવાજો સંભળાતા હતા. બાદમાં પોલીસ ઘરનો દરવાજો તોડી અને અંદર પ્રવેશી હતી અને એ દરમિયાન થયેલા ઘર્ષણમાં ગોળીબાર થતા મહિલાનું મોત નીપજ્યું હતું. પોલીસના કહેવા મુજબ એ મહિલાના હાથમાં આઠ ઇંચ ની છરી હતી અને તે તેના બોયફ્રેન્ડ ઉપર પ્રહાર કરવા જતી હતી ત્યારે થયેલા ઘર્ષણમાં આ ઘટના બની હતી. જોકે ઘટના સ્થળે ઉપસ્થિત અને બોયફ્રેન્ડના હુમલામાં ઘાયલ થયેલી મહિલાની નવ વર્ષની પુત્રી તેમજ પરિવારજનોએ પોલીસે કોઈ પણ જાતના કારણ વગર ગોળીબાર કર્યો હોવાનું જણાવ્યું હતું.