બાંગ્લાદેશમાં સત્તા પલટા પાછળ અમેરિકા ? જાણો શું કહે છે અમેરિકાનો ઈતિહાસ
પ્રાસંગિક
જગદીશ આચાર્ય
શેખ હસીનાએ બાંગ્લા દેશમાં થયેલા હિંસક આંદોલન અને સતા પલટા પાછળ અમેરિકાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે.બાંગ્લા દેશ છોડતા પહેલા રાષ્ટ્રને સંબોધન માટે તેમણે તૈયાર કરેલા ભાષણની વિગતો બહાર આવી છે.તેમાં તેમણે કથિત રીતે લખ્યું હતું કે મેં જો સેન્ટ માર્ટિન આઇલેન્ડ અમેરિકાને સોંપી દીધો હોત અને બંગાળની ખાડીમાં અમેરિકાને પ્રભુત્વ સ્થાપિત કરવા દીધું હોત તો હું સતામાં રહી શકી હોત. આ અગાઉ થોડા મહિના પહેલા પણ તેમણે તેમની સરકારને ઉથલાવવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે એક ‘શ્વેત વ્યક્તિ’ દ્વારા બાંગ્લાદેશ અને મ્યાનમારમાંથી એક નવું ખ્રિસ્તી રાષ્ટ્ર બનાવવા માટે ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે અમેરિકા તરફ નિર્દેશ કરતા જણાવ્યું હતું કે મેં એક ‘ ખાસ ‘ દેશને બાંગ્લાદેશમાં એર બેઝ બનાવવાની મંજૂરી આપી હોત તો મારા માટે કોઈ સમસ્યા ન સર્જાઈ હોત.
શેખ હસીના અમેરિકાની માંગણી સામે ઝૂક્યા નહોતા.તેમના અને અમેરિકા વચ્ચેના સબંધો તંગ બન્યા હતા.આ વર્ષે જાન્યુઆરી મહિનામાં શેખ હસીના ચૂંટણી જીત્યા ત્યારે અમેરિકાએ એ ચૂંટણીને ફ્રોડ ગણાવી હતી અને તેના છ મહિના પછી બાંગ્લાદેશ ભડકે બળ્યું, આર્મીએ હસ્તક્ષેપ કર્યો અને લોકશાહી ઢબે ચૂંટાયેલા 76 વર્ષના શેખ હસીનાને બાંગ્લાદેશથી ભાગવું પડ્યું એ ઘટનાક્રમે અનેક શંકા કુશંકા સર્જી છે.
અમેરિકા મહસતા છે. રાક્ષશી આર્થિક અમે મીલીટરી તાકાત ધરાવે છે અને એ શક્તિનો ઉપયોગ આખા વિશ્વને પોતાના પગની એડી નીચે રાખવા માટે કરે છે.અમેરિકા ધારે તે દેશ ઉપર આર્થિક પ્રતિબંધો લાદી દે છે.આંદોલનો અને બળવા કરાવે છે.પારકા દેશોમાં રાજકીય ચંચુપાત કરે છે.શેખ હસીનાએ હાલમાં જે આક્ષેપ કર્યો એવો જ આક્ષેપ ઇમરાન ખાને પણ કર્યો હતો.તેમની સામેની અવિશ્વાસની દરખાસ્ત માટે અમેરિકી ધમકી કારણભૂત હોવાનો તેમણે ઘટસ્ફોટ કર્યો હતો.યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે તેમણે લીધેલી રશિયાની મુલાકાત અમેરિકાને હજમ નહોતી થઈ.તેમના કહેવા મુજબ 7 માર્ચ 2022 ના રોજ પાકિસ્તાનના અમેરિકાના રાજદૂત અસદ મજીદ ખાનની બે ટોચના અમેરિકન અધિકારીઓ સાથેની બેઠકમાં એ અધિકારીઓએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા સૂચના આપી હતી અને જો એ પ્રસ્તાવ સફળ ન થાય તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.તેના બીજા દિવસે એ પ્રસ્તાવ રજૂ થયો હતો અને ઇમરાન ખાનનું રાજકીય પતન શરૂ થયું હતું. અમેરિકા પારકા દેશોમાં દખલગીરી કરે છે એવો ઇમરાન ખાન અને શેખ હસીનાનો દાવો ન માણવાનું કોઈ કારણ નથી કારણ કે એ બાબતે અમેરિકાનો લાંબો ઇતિહાસ છે.
અમેરિકાએ જ તાલિબાનોને ઊભા કરી અફઘાનિસ્તાનને બરબાદ કર્યું
અફઘનિસ્તાનમાં કમ્યુનિસ્ટ શાસન ખતરામાં પડ્યું ત્યારે રશિયાએ હુમલો કરી કબજો લઈ લીધો. રશિયાને કાઢવા અમેરિકાએ અફઘાન મુજહીદોને હાથો બનાવ્યા. કરોડો ડોલરનું ફન્ડિંગ કર્યું. પાકિસ્તાન અને આઈએસઆઈને પણ ધરવી દીધા. પાકિસ્તાનમાં ટ્રેનિંગ કૅમ્પ શરૂ કર્યા.આતંકી લડાકુઓને અદ્યતન શસ્ત્રો આપ્યા. એ મુજાહીદો સાથે અલ કાયદા ભળ્યુ.એ અલકાયદાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો. પોતે ઉભા કર્યા હતા એ જ તાલિબાનો અને એ જ અલકાયદા સામે બાદમાં અમેરિકા જંગે ચડ્યું. અફઘાનિસ્તાન બરબાદ થઈ ગયું. અને પછી એ જ તાલિબાનોને અફઘાનિસ્તાનની સોંપણી કરી અમેરિકાએ હાથ ખંખેરી નાખ્યા.
ઈરાકમાં બળવાખોરોને ઊભા કરી ગૃહ યુદ્ધ ભણી ધકેલી દીધું

અનેક વખત અમેરિકાએ જ ઉભા કરેલા પાત્રો બાદમાં તેની સામે થયા હોય અને પછી તેમની સામે અમેરીકાએ નવા પાત્રો ઉભા કરવા પડ્યા હોય એવા પણ અસંખ્ય કિસ્સાઓ છે. ઇરાકમાં 1963માં કાસીમ સરકારને ઉથલાવવા માટે અમેરીકાએ બાથીસ્ટ પાર્ટી ને હાથો બનાવી હતી. કાસીમ તો ઉથલી ગયા પણ ત્યારબાદ સદામ હુસેન એ પક્ષના સર્વેસર્વા બની ગયા. સદ્દામે અમેરિકા સામે ન્હોર ભરાવ્યાં ત્યારે તેમને ઉથલાવવા 1991માં અમેરિકાએ ઉત્તર ઇરાકમાં કુર્દીશ લડાકુઓને અને દક્ષિણ ઇરાકમાં શિયા બળવાખોરોને હાથ ઉપર લીધા. એ બધાને હથિયારો આપ્યા,અથિક મદદ કરી અને ટ્રેનિંગ આપી. પરિણામે ઇરાકમાં સ્વતંત્ર કુર્દીશ વિસ્તાર બન્યો. અમેરિકાએ આ ભડકો કરાવીને પછી હાથ પાછા ખેંચી લીધા. બળવાખોરો નિરાધાર થઈ ગયા. સદામ સેના તેમની ઉપર તૂટી પડી, હજારો કુર્ડ અને શિયાઓનો નરસંહાર થયો. ઇરાકની એકતા અને શાંતિમાં કાયમી ધોરણે પલિતો ચંપાઈ ગયો જેની અસરમાંથી ઇરાક આજે પણ મુક્ત નથી થઈ શકયું.
લોકશાહીના મૂલ્યોના આ સ્વઘોષિત રખેવાળે અનેક ચૂંટાયેલી સરકારો ઉથલાવી

લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોને ઉથલાવી આપખુદ કે મિલિટરી શાસકોને શાસન સોંપવાનો પણ અમેરિકાનો લાંબો ઇતિહાસ છે. 1954માં ઓપરેશન પીબીયું સક્સેસના નામે ઓપરેશન કરી અમેરિકાએ ગુએટમાલમાં જેકોબો આરબેનઝની ચૂંટાયેલી સરકાર સામે બળવો કરાવ્યો અને કાર્લોસ કેસ્ટીલો અરવાસને પ્રમુખપદે બેસાડી દીધા. કાર્લોસ જમણેરી વિચાર ધરાવતા આપખુદ હતા. તેમને અને લોકશાહીને બાર ગાઉનું છેટું હતું. 1949માં સીઆઇએની સીધી દોરવણી હેઠળ સીરિયામાં આર્મી ચીફ હુસેની અલ ઝાલીમે બળવો કરી શકુરી અલ કુવૈતીની સરકારને ઘરભેગી કરી દીધી હતી. અમેરિકાના આશીર્વાદથી લોકશાહી સાથે સ્નાન સુતક પણ ન હોય એવા એ આર્મી ચીફ પ્રમુખ બની ગયા હતા. આર્જેન્ટિનમાં ચૂંટાયેલા પ્રમુખ ઇસાબેલ પેરોન સામે અમેરિકાએ ઓપરેશન કોન્ડોર ના નામે બળવો કરાવ્યો હતો અને પરિણામે એક સમયે લોકશાહી ભોગવતું એ રાષ્ટ્ર જનરલ રફાએલ વિડેલાના લોખંડી લશ્કરી શાસન હેઠળ આવી ગયું હતું.
ક્યુબામાં કાસ્ટ્રોને પતાવી દેવા ‘ ઓપરેશન મોંગુઝ ‘

ક્યુબામાં અમેરિકાના ટેકાથીજનરલ ફુલજેનસીઓ બનતાલીએ મિલિટરી શાસન સાંભળ્યું હતું. બાદમાં ફીડલ કાસ્ટ્રોના નેતૃત્વ હેઠળ ક્યુબન ક્રાંતિના મંડાણ થયા. 1958માં મિલિટરી શાસનનો અંત આવ્યો અને કાસ્ટ્રોએ સતાનું સુકાન સાંભળ્યું. પોતાના બેસાડેલા મિલિટરી શાસકનું આ પતન અમેરિકાને માફક ન આવ્યું અને તેણે કાસ્ટ્રોને ઉઠલાવવાના કાવાદાવા શરૂ કર્યા. ક્રાંતિ સમયે અમેરિકા સહિતના બીજા દેશોમાં ભાગી ગયેલા સેઈનીકો અને વિરોધી જૂથના સભ્યોને અમેરિકાએ હથિયારો આપ્યા,ટ્રેનિંગ આપી. એ જૂથોએ હિંસા અને આક્રમણ વડે ક્યુબાનો કબજો લેવાની કોશિશ કરી પણ સફળ ન થયા. તે પછી કાસ્ટ્રોને ઉથલાવવા અમેરિકાએ ઓપરેશન મોંગુઝ ના નામે હાઈબ્રીડ વોર શરૂ કર્યું. ક્યુબાને આર્થિક રીતે પાયમાલ કરી દેવા માટે અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો લાદયા. રેડિયો અને અખબારોના માધ્યમથી અપપ્રચારનો મારો ચલાવ્યો. સીઆઈએ પ્રેરિત હથિયારધારી જૂથોએ નાગરિકો,રેલવે બ્રિજ,ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ અને ફૂડ સ્ટોરેજ ફેસિલિટીઝ ઉપર હુમલા કર્યા. એટલું જ નહીં ફીડલ કાસ્ટ્રોની હત્યા કરવા માટે અમેરિકન માફિયાઓને પણ મોકલ્યા હતા.
ઈન્ડોનેશિયાને પાયમલીની ગર્તામાં ધકેલી દીધું
ઇન્ડોનેશિયાના લોકપ્રિય અને શક્તિશાળી પ્રમુખ સુકરનો ભારતની જેમ જ નોન એલાયન મુવનેન્ટના પુરસ્કર્તા હતા. કોલ્ડ વોર સમયની તેમની તટસ્થ વિદેશનીતિ અમેરિકાને ખટકતી હતી. સુકર્નોને હટાવવા અમેરિકાએ ખૂબ ધમ પછાડા કર્યા હતા. 1956માં તેમની સામે લશ્કરી બળવાનો પ્રયાસ નિષફળ ગયા પછી તો અમેરિકા સાવ છેલ્લા પાટલે બેસી ગયું હતું. 1957માં સીઆઈએના સિવિલ એર ટ્રાન્સપોર્ટ દ્વારા ઇન્ડોનેશિયાના રહેણાંક વિસ્તારો અને લશ્કરી મથકો ઉપર બોંબ ઝીંકવામાં આવ્યા. ઇન્ડોનેશિયાના વ્યાપાર સંકુલો તેમ જ શિપ યાર્ડ અને બંદરો ઉપર બોમ્બર્ડિંગ કરવાની પાયલોટોને સૂચના આપવામાં આવી હતી જેથી અર્થતંત્ર ખતમ થઈ જાય અને વિદેશી કંપનીઓ અને રોકાણકારો ભાગી જાય. સીઆઈએ દ્વારા શરૂ કરાયેલા આ બિનઘોષિત યુદ્ધમાં સેંકડો નિર્દોષ નાગરિકોના મોત થયા,ઇન્ડોનેશિયા પાયમાલ થઈ ગયું અને અંતે લોહિયાળ અથડામણો બાદ સુકરનો ના શાસનનો અંત આવ્યો અને જનરલ સુહાર્તો ગાદીનશીન થયા.
સાઉથ કોરિયામાં કઠપૂતળી સરકાર નીમી આપખુદ શાસન સ્થાપ્યું
1945માં જાપાને અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી અને કોરિયા ઉપર તેના શાસનનો અંત આવ્યો તે પછી કોરિયન લીડર લ્યુહ વુન હ્યુન્સના નેતૃત્વ હેઠળની સમિતિઓએ તા.28 ઓક્ટોબર 1945ના રોજ પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા નામે કામચલાઉ શાસન સાંભળ્યું હતું. તેના એક મહિના પછી અમેરિકન દળો ત્યાં લેન્ડ થયા અને કોરિયાના દક્ષિણ ભાગનો કબજો લઈને પોતાની યુનાઇટેડ સ્ટેટ આર્મી મિલિટરી સરકાર સ્થાપી દીધી. કોરિયાના ઉત્તર ભાગનો કબજો રશિયાએ લઈ લીધો. કોરિયાના બે કટકા થઈ ગયા અને એ રીતે સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા અસ્તિત્વમાં આવ્યા.1948માં સાઉથ કોરિયામાં અમેરિકાના પપેટ ગણાતા સિંગમન રહી ચૂંટણીમાં ઘાલમેલ કરી ને પ્રમુખ બની બેઠા. આજે આખી દુનિયાને લોકશાહીના પાઠ ભણાવતા અમેરિકાના પાપે એ પ્રમુખે 1980 સુધી સાઉથ કોરિયામાં લોકશાહીનું ગળું ઘોંટી આપખુદ શાસન ચલાવ્યું.