આ વરસે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણીની થીમ “Use Heart, Know Heart’ રાખવામાં આવી છે
તમે તમારા હ્રદયને ઓળખો છો ?
આગામી ૨૯ સપ્ટેમ્બરને શુક્રવારના રોજ વર્લ્ડ હાર્ટ ડે છે અને આ દિવસે વિશ્વભરમાં હ્રદયરોગ સંબંધી વાતો થાય છે, અવેરનેસ માટે જુદા જુદા સેમીનાર થાય છે અને અનેક પ્રકારની સલાહો દેવામાં આવે છે પણ સમસ્યા એ છે કે આવા સલાહો આ એક દિવસ પૂરતી જ સિમિત રહે છે. લોકો હ્રદયને જાણી જ શક્યા નથી. કદાચ એટલે જ આ વરસે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણીની થીમ “Use Heart, Know Heart’ રાખવામાં આવી છે. હ્રદયનો ઉપયોગ કરો અને હ્રદયને જાણોનો સીધો સાદો અર્થ એ થાય છે કે આપણે આપણા હ્રદયની ખૂબીઓ અને મર્યાદાઓ જાણવી જોઈએ. જ્યાં સુધી આપણે હૃદયની સમસ્યાઓ અને સાવધાનીઓને જાણીને તેનું પાલન શરૂ ન કરીએ, આ દિવસનું જીવનમાં કોઈ મહત્ત્વ નથી.
પૂરા વિશ્વમાં હૃદયરોગો પ્રત્યે જાગૃતિ પેદા કરવા અને હૃદય સંબંધી સમસ્યાઓથી બચવા માટેના વિભિન્ન ઉપાયો પર પ્રકાશ ફેંકવાના હેતુથી દુનિયાભરમાં દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરને વિશ્વ હૃદય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.
હૃદયરોગો માટે સૌથી જવાબદાર છે આપણી અનિયમિત અને અવ્યવસ્થિત દિનચર્યા, તણાવ, ખોટો આહારવિહાર, પર્યાવરણ, પ્રદૂષણ વગેરે…જેનાથી આ સમસ્યા ઝડપથી વધી રહી છે. અધિકાંશ કિસ્સાઓમાં હૃદયરોગનું પ્રમુખ કારણ હોય છે તણાવ અને મધુમેહ (ડાયાબિટિસ), ઉચ્ચ રક્તચાપ (હાઇ બ્લડ પ્રૅશર) જેવી સમસ્યાઓ. જે હૃદયરોગોને જન્મ આપે છે. નાની ઉંમરથી લઈને વૃદ્ધો સુધીમાં હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓ જાણે કે હવે સામાન્ય વાત થઈ ગઈ છે.
કોરોના પછીના આ કાળમાં અનેક વખત એવું વાંચવામાં આવ્યું છે કે નાની ઉમરે હ્રદયરોગનો હુમલો આવ્યો અને મૃત્યુ થઇ ગયું.
એક અંદાજ પ્રમાણે સમગ્ર દુનિયામાં હૃદયાઘાતથી બે કરોડથી પણ વધુ લોકોનું મૃત્યુ થાય છે, તેમાંથી ૫૦ ટકા લોકો હૉસ્પિટલ પહોંચ્યા પહેલાં જ પ્રાણ ત્યાગી દે છે. આથી હૃદયરોગ મૃત્યુ સાથે જોડાયેલું એક મુખ્ય કારણ બની ચૂક્યો છે, જેના માટે જાગૃતિ હોવી ખૂબ જ આવશ્યક છે. જો હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓ પર સમયસર કાબૂ ન મેળવી શકાયો તો દર ત્રીજા માણસના મૃત્યુનું પ્રમુખ કારણ હૃદયરોગ જ હશે.
સામાન્ય લાગતા આ કારણથી પુરૂષોના હૃદય બને છે કમજોર
જો તમે નોકરી કરી રહ્યા હોવ તો તમારાં હૃદયના સ્વાસ્થ્યને લઇ સચેત થઇ જાવ. હાલમાં જ કરવામાં આવેલા એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, નોકરીના કારણે પુરૂષોમાં હાર્ટ અટેકનું જોખમ સતત વધી રહ્યું છે.
છેલ્લાં કેટલાંક મહિનાઓથી હાર્ટ અટેકના જોખમી કેસ સામે આવી રહ્યા છે. સાવ નાની ઉંમરના વ્યક્તિ પણ હરતા ફરતાં અચાનક પડી જાય છે અને તેઓનું મોત થઇ જાય છે.
હૃદયરોગના હુમલાના મોટાંભાગ કેસ પુરૂષોમાં જોવા મળે છે. હાલમાં જ થયેલાં એક રિસર્ચમાં આ અંગે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પુરૂષોમાં ઓફિસના કારણે હાર્ટ અટેકનું જોખમ બેગણું થઇ ગયું હોવાનો ઉલ્લેખ છે.
જર્નલ ઓફ અમેરિકન હાર્ટ એસોસિએશનદ્વારા પ્રકાશિત રિચર્સ પેપર્સ અનુસાર, જે પુરૂષોને કામમાં રાહત કે પ્રોત્સાહન નથી મળી રહ્યું તેઓમાં તણાવનું પ્રમાણ વધી રહ્યું છે. આ જ કારણ છે કે, ઘાતક હાર્ટ અટેકનું જોખમ બમણું થઇ ગયું છે.
નિષ્ણાતોએ અંદાજિત 2 દાયકા સુધી સ્ટ્રેસ અને એફર્ટ રિવાર્ડ ઇમ્બેલેન્સ વિશે સંશોધન કર્યુ છે. તેઓએ 6465 વ્હાઇટ કોલર જોબ કરતાં પુરૂષો પર 18 વર્ષ સુધી અધ્યયન કર્યુ છે. તેમાં ભાગ લેનારા વ્યક્તિઓને અગાઉ કોઇ હૃદયની બીમારી નહતી, તેમાં 3118 પુરૂષો અને 3347 મહિલાઓ હતી જેમની ઉંમર અંદાજિત 45 વર્ષ હતી.
રિસર્ચમાં જે પુરૂષોએ ભાગ લીધો હતો તેઓમાં તણાવપૂર્ણ માહોલ અથવા નહીવત પ્રોત્સાહનના કારણે હૃદયની બીમારીનું જોખમ 49 ટકા વધી ગયું હતું. જે પુરૂષોને સ્ટ્રેસફૂલ વર્કનો સામનો કરવો પડ્યો તેઓમાં હાર્ટ અટેક અને હૃદયરોગની બીમારીઓનું જોખમ બેગણું થઇ ગયું હતું. જો કે, આ જ બાબતોની અસર નિષ્ણાતો મહિલાઓમાં માપવામાં સફળ થયા ન હતા.
હાર્ટ એટેકના લક્ષણો
જેમાં હાર્ટના મસલ્સની કાર્યક્ષમતા ઓછી થવાથી શરીરમાં યોગ્ય માત્રામાં લોહી પહોંચાડતા નથી પરિણામે શ્વાસ ફૂલે છે, હાથપગમાં સોજા આવે છે, શરદી-ઉધરસ વારંવાર થાય છે. આ ઉપરાંત છાતીમાં ડાબી બાજુ દુખાવો થાય. આ દુખાવો પછી ;ધીરે ધીરે ડાબા પડખામાં, ડાબા હાથમાં ચહેરાની ડાબી બાજુ પણ થાય. છાતીનું વચ્ચેનું હાડકું જેના નીચલા છેડે પેટમાં એક જ જગ્યાએ ખુબ દુખે. આંખો ચઢી જાય. નાડીના ધબકારા ખુબ વધી જાય. દર્દી બુમો પાડે અને આવા દર્દીને તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવામાં ના આવે તો હાર્ટ કામ કરતું બંધ થઈ જાય અને મૃત્યુ થાય.
ત્રાસવાદ કરતાં પણ ખતરનાક છે હૃદયરોગ
વિશ્વમાં ત્રાસવાદી પ્રવૃતિના કારણે વર્ષ 20, 000ના મોત થાય છે પણ હૃદયને લગતી બિમારી દર વર્ષે બે કરોડ લોકોનો જીવ ભરખી જાય છે. તેમ છતા ત્રાસવાદ સામે જેટલી જાગૃતતા છે તેટલી જાગૃતતા હૃદયરોગને લગતી નથી.. પહેલા આ રોગ 50 કે 60 વર્ષની ઉંમરે થતો હવે આ રોગ 25 કે 34 વર્ષ ની ઉંમરે થતો જોવા મળે છે.