સ્કિન પર સૌથી પહેલા જોવા મળે છે કેન્સરના લક્ષણો
સ્કિન પ્રત્યે દરેક વ્યક્તિએ સજાગ રહેવું જોઈએ. જો કોઈપણ સમસ્યા જણાય તો તુરંત જ તેની તપાસ કરાવી લેવી જોઈએ. પરંતુ મોટાભાગના લોકો સ્કિન સંબંધિત સમસ્યાઓ પ્રત્યે બેદરકાર રહે છે. સ્કિન પર કંઈ થાય તો લોકો એવું માની લે છે કે કોઈ એલર્જી હશે અથવા તો વાતાવરણમાં થયેલા ફેરફારની અસર હશે જે જાતે જ મટી જશે. પરંતુ ઘણી વખત સ્કિન પર જોવા મળતા પરિવર્તન કેન્સર જેવી ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે.
સ્કિન કેન્સરના શરૂઆતી લક્ષણમાં સ્કિન અચાનક જ ખરબચડી અને પપડીદાર થઈ જાય છે. સ્કિન પર પેચ દેખાવા લાગે છે જે જોવામાં આસપાસની સ્કિન કરતાં અલગ હોય છે. ઘણી વખત ખરબચડી ત્વચા ઘાવનું સ્વરૂપ પણ ધારણ કરી લેતી હોય છે. ત્વચાના રંગમાં પરિવર્તન થવું પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. સ્કિન કેન્સર વધે તો ત્વચા પર ઘાટા રંગના ડાઘ દેખાવા લાગે છે. શરીરની ત્વચાથી અલગ જ રંગના હોય છે. જો શરીરમાં આ રીતે ત્વચાનો રંગ બદલતો જોવા મળે તો તેને ગંભીરતાથી લેવું અને ત્વચન વિશેષજ્ઞની મદદ લેવી.
ત્વચા પર ક્યારેક ખંજવાળ અને બળતરાનો અનુભવ થાય તો તે સામાન્ય છે પરંતુ લાંબા સમય સુધી જો તમને એક જ જગ્યાએ ખંજવાળ અને બળતરાનો અનુભવ થતો હોય તો તમારે ધ્યાન આપવાની જરૂર છે. જો તમારા શરીર પર તમને અચાનક જ તલ જેવા નાના-નાના કાળા ડાઘ દેખાવા લાગે કે પછી મસા વધારે દેખાવા લાગે તો તે ત્વચાના કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે.
