સાવધાન : માર્કેટમાં લિવર અને કેન્સરની નકલી દવાઓનું ધૂમ વેચાણ
WHOએ આપી ચેતવણી : કેન્સર અને લિવરની નકલી દવાથી હાનિકારક નુકસાન થઇ શકે છે અને મૃત્યુનું જોખમ પણ રહેલું છે. આ દવાઓ લેતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ થોડાં દિવસ પહેલાં ભારતમાં બનતી ખાંસીની એક સિરપ અને એસિડિટીમાં ઉપયોગમાં લેવાતી ડાઇજીન જેલને લઇને ચેતવણી જાહેર કરી હતી. આ દવાના સતત ઉપયોગથી અનેક ગંભીર સાઇડ ઇફેક્ટ્સ થતાં હોવાનું સામે આવ્યું હતું.
હવે માર્કેટમાં કેન્સર અને લિવરના રોગોની નકલી દવાને લઇ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ નકલી દવાઓને લગતી ચેતવણી જાહેર કરી છે. ડ્રગ કંટ્રોલર સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ ડોક્ટર્સ અને દર્દીઓને બે દવાઓ, જેમાં લિવરની દવા ડેફિટાલિયો (Defitalio) અને કેન્સરની દવા એડસેટ્રિસ (Adcetris)ને લઇ સતર્ક રહેવાનું જણાવ્યું છે. આ દવાઓનું ભારત સહિત ચાર દેશોમાં વેચાણ થઇ રહ્યું છે.
2 દવાઓને લગતી ચેતવણી
WHOએ કેન્સર અને લિવરની બે નકલી દવાઓને લઇને ચેતવણી જાહેર કરે છે. ડેફિટાલિયોનો ઉપયોગ એક ગંભીર સ્થિતિના ઇલાજ માટે કરવામાં આવે છે, જેમાં લિવર સેલ્સ બ્લોક થઇ જાય છે. આ જ પ્રકારે એડસેટ્રિસનો ઉપયોગ એક પ્રકારના બ્લડ કેન્સર (Blood Cancer)ના ઇલાજ માટે કરવામાં આવે છે.
એક્સપાયરી ડેટ ખોટી
WHO મારફતે જાહેર જાણકારી અનુસાર, CDSCOએ કહ્યું કે અસલી દવાઓ જર્મની અને ઓસ્ટ્રિયામાં પૅક કરવામાં આવે છે. માર્કેટમાં મળતી નકલી દવાઓ યુકે અને આર્યલેન્ડમાં પેક કરવામાં આવે છે. સંસ્થઆએ જણાવ્યું કે, આ દવાઓ પર લખેલી એક્સપાયરી ડેટ ખોટી છે. ઉપરાંત આ દવાઓને બનાવતી કંપનીઓને ભારત અને તુર્કીમાં વેચાણની અનુમતિ નથી.
નકલી દવાઓ છે જીવલેણ
CDSCO અને WHO અનુસાર, નકલી ડિફિટાલિયોના ઉપયોગથી અગાઉના ઉપચાર અપ્રભાવી થઇ જાય છે અને તેનાથી સ્વાસ્થ્યને લગતા અનેક જોખમો ઉભા થઇ શકે છે. વળી, કેટલાંક કેસમાં તે જીવલેણ પણ બની શકે છે. ડ્રગ કંટ્રોલર અનુસાર, એડસેટ્રિસ ઇન્જેક્શન 50એમજીના નકલી સંસ્કરણ ભારત સહિત ચાર દેશોમાં જોવા મળ્યા છે. એલર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે,આ દવાઓનું વેચાણ ઓનલાઇન કરવામાં આવે છે.
નકલી દવાઓ પર સલાહ
સંગઠને કેટલીક નકલી દવાઓને લઇ ડોક્ટર્સ અને દર્દીઓને સલાહ આપી છે. જેમાં દવાઓને સાવધાનીપૂર્વક પ્રિસ્ક્રાઇબ કરો અને દર્દીઓને આ અંગે જાગૃત કરો કે કોઇ પણ પ્રકારના રિએક્શન થાય તો તત્કાળ હોસ્પિટલ જાવ.
નકલી દવાઓની ઓળખ કેવી રીતે કરશો?
નકલી દવાઓની ઓળખ કરવી મુશ્કેલ છે. સામાન્ય લોકો તેને નથી ઓળખી શકતા કે કઇ દવા નકલી છે અને કઇ દવા અસલી. તેથી જ યોગ્ય છે કે ડોકટરોની સલાહનું પાલન કરો. દવાઓ લીધા બાદ હંમેશા ડોક્ટર પાસે તેને ચેક કરાવો અને તેમની સલાહ પર જ તેનો ઉપયોગ કરો.