રેંકડી- રેસ્ટોરન્ટમાં પૈસા આપો અને બીમારી ખરીદો !!
જેની ઉપર માલિકની ( મહાપાલિકા) ની મહેર છે તે રાજકોટની શેરી-ગલીમાં રહેલા
રાજકોટ મહાનગર પાલિકાનો ફૂડ વિભાગ હાલમાં ચર્ચામાં છે. આમ પણ તહેવારો આવે એટલે ફૂડ ઇન્સ્પેકટરોની કામગીરી ખુબ જ વધી જાય છે. તહેવારોના આ દિવસોમાં લોકોને શુધ્ધ ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવે છે અને જ્યાં જરુરુ જણાય ત્યાંથી વાસી પદાર્થોનો નાશ કરીને તાકીદ કરવામાં આવે છે. આ બધી કામગીરી બરાબર છે પણ સદર બજાર પાસે ભીલવાસમાં આવેલી ભારત બેકરીમાં તપાસ દરમિયાન જે જોવા મળ્યું તે અસહ્ય છે. અહીંથી રાજકોટનાં લગભગ દરેક વિસ્તારમાં બ્રેડ અને અન્ય આઈટમ સપ્લાય થતી રહે છે અને ચિંતાની વાત એ છે કે લાંબા સમયથી લોકો આવી અખાદ્ય બ્રેડ અને અન્ય વસ્તુઓ પેટમાં પધરાવી રહ્યા છે. આ કૃત્ય રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ચેડાં જ છે.
આ મામલામાં સૌથી મોટી બેદરકારી ફૂડ વિભાગે પણ રાખી છે. આરોગ્ય અધિકારી એવું કહેતા હતા કે અમે ભારત બેકરીને વારંવાર નોટિસ ફટકારી સ્વચ્છતા માટે તાકીદ કરી હતી પણ કોઈ કાર્યવાહી થતી ન હતી તેથી હવે રૂબરૂ ટીમ સાથે જઈને તપાસ કરી છે. ફૂડ વિભાગે નોટિસ અને તાકીદ કરવાના કાગળિયાં કરવાને બદલે જો પહેલા જ કાર્યવાહી કરી હોત તો આ ગંદવાડો વહેલો બહાર આવત. આ ભારત બેકરી તો એક દ્રષ્ટાંત છે પણ અનેક સ્થળ એવા છે કે જ્યાં સ્વચ્છતાના નામે મીંડું છે. ઘણા લોકો મજાકમાં કહેતા હોય છે કે, રાજકોટવાસીઓ આજીનું પાણી પીવે છે એટલે તેના પેટમાં કાંઇ ન થાય..! આવી વાત હસવા કે બોલવા માટે સારી છે બાકી સામાન્ય આરોગ્યના મામલામાં પ્રજાની હાલત ખરાબ જ છે. ઘણી વખત આવી બાબતો પ્રત્યે લોકો બેધ્યાન રહે છે અને જયારે ખબર પડે છે ત્યારે મોડું થઇ ગયું હોય છે.
અહી કહેવાનો મતલબ એ જ છે કે આવડા મોટા રાજકોટમાં શેરી-ગલીએ રેંકડી અને રેસ્ટોરાં આવેલાં છે અને રોજ સાંજ પડ્યે લોકો ભીડ લગાવે છે પણ ત્યાં કેટલી સફાઈ થાય છે અથવા જે વસ્તુ મળે છે તે કેટલી સ્વચ્છ છે તેની કોઈ દરકાર કરતુ નથી. ભેળસેળ બેફામ થાય છે. નીતિનિયમો નેવે મુકીને કેટલાક ધંધાર્થીઓ લોકો પાસેથી પૈસા લઈને બીમારી ભેટમાં આપે છે.
એવું નથી કે મહાપાલિકાનો ફૂડ વિભાગ આ બધું જાણતો નથી. બધાને બધી ખબર છે. પણ કોઈ ‘ અવાજ ‘ કરતુ નથી. બધાના ખીસ્સા ગરમ છે. નહીતર સાવ આવું ન હોય !!!
જો કે આવી સ્થિતિ માટે એકલો ફૂડ વિભાગ પણ જવાબદાર નથી. મહાપાલિકામાં ભાજપ દાયકાઓથી સત્તા ઉપર છે. ભાજપના દાવા પ્રમાણે રાજકોટનો વિકાસ થયો છે પણ આરોગ્ય ક્ષેત્રે વિનાશ થયો છે તેનો ઇનકાર પણ થઇ શકે તેમ નથી. ક્યારેય કોઈ નેતા ભેળસેળ સામે બોલ્યા હોય તેવું સંભળાતું જ નથી. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, આરોગ્ય કમિટી ચેરમેન, પક્ષના નેતા, દંડક કે પછી આ બધાના આકા હોય આવા મુદ્દે કોઈ ક્યારેય બોલતું નથી તે પણ આશ્ચર્યની બાબત છે.
વેપારીઓ દ્વારા વધુ નફો મેળવવાની લાલચમાં ખાધ ચીજવસ્તુઓમાં કરાતી ભેળસેળથી લાંબા ગાળે વ્યકિત ગંભીર બિમારીનો ભોગ બની શકે છે. ભેળસેળ કરનાર સામે સજા અને દંડની જોગવાઈ હોવા છતાં વહીવટ તંત્ર માત્ર હાથ પર હાથ રાખીને બેસી રહે છે. એટલે જ ખાધપદાર્થોમાં ભેળસેળ માટે ભાગ્યે જ કોઈ કેસ થતાં હોય છે.
દૂધ, ઘી, તેલ, મસાલા, અનાજ, ફળોના રસ વગેરેમાં ભેળસેળ
જો કે, ખાવાપીવાની ચીજવસ્તુઓમાં ભેળસેળ માત્ર રાજકોટ કે ગુજરાતમાં જ થાય છે એવું નથી. દૂધ, ઘી, તેલ, મસાલા, અનાજ, ફળોના રસ વગેરેમાં ભેળસેળથી દેશમાં હજારો લોકો મોતનો ભોગ બને છે દર વર્ષે તહેવારોની મોસમ આવે છે, ત્યારે ૧૪૦ કરોડ નાગરિકો ઉપર ખાદ્ય પદાર્થોમાં ઝેરી પદાર્થોની ભેળસેળનો ઓછાયો મંડરાવા લાગે છે.
ભોજન બનાવવામાં વપરાતી ચીજવસ્તુઓમાં વધુ નફો મેળવવાની લાલચે વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે. ભેળસેળયુકત ખોરાકથી લોકો હૃદયરોગ, યકતિના રોગો, કેન્સર, લકવો, પાંડુરોગ, પેટના રોગો જેવી વિવિધ બિમારીઓનો ભોગ બની શકે છે. જેમ કે ખાધતેલ : ખાધતેલમાં ખનીજ તેલ, અખાધ તેલ તેમજ જનાવરોની ચરબીની ભેળસેળ કરવામાં આવતી હોય છે. જેનાથી લીવરની ખરાબી, કેન્સર, આંખોના તથા પેટના રોગો થવાની સંભાવના રહેલી છે.
એક જમાનામાં લોકો દૂધના તાજા માવાની મીઠાઇઓ પણ ઘરે બનાવતા હતા. હવે કોઇને એટલો સમય નથી અને સમય હોય તો પણ મીઠાઇઓ બનાવતા આવડતી નથી. આ કારણે બધા બજારમાંથી મીઠાઇ, ફરસાણ વગેરે ખરીદીને ખાય છે અને પસ્તાય છે. તહેવારોમાં મીઠાઇઓ બનાવવા માટે જે માવો, ઘી, તેલ, વગેરે વાપરવામાં આવે છે તેમાં ભારોભાર ભેળસેળ હોય છે.
આ ભેળસેળને કારણે દર વર્ષે લાખો લોકો માંદા પડે છે અને કેટલાક તો મૃત્યુ પણ પામે છે. આપણે ત્યાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ પણ તરત જ જામીન ઉપર છુટી જાય છે. માટે તેમની હિંમત વધી જાય છે. ભેળસેળ કરનારને જ્યાં સુધી કડકમાં કડક સજા નહીં કરવામાં આવે ત્યાં સુધી આ દૂષણ દૂર થવાનું નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં આપણી ખાણીપીણીની આદતોમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. આજે આપણે મિઠાઇઓ, ફરસાણ, ખાખરા, થેપલાં, બિસ્કિટ, ચોકલેટ, પિપરમિન્ટ, કેક, બ્રેડ, ચા, કોફી, વેફર વગેરે બધા ખાદ્ય પદાર્થો બજારમાંથી ખરીદીને ખાતા થયા છીએ. અગાઉ દિવાળીમાં ઘરે ઘરે મઠીયા, ચોળાફળી અને સુંવાળી બનતી હતી. હવે આ બધું પણ બજારમાં તૈયાર મળતું થયું છે. રાંધેલા શાકભાજી અને પુલાવના પાઉચ પણ બજારમાં મળે છે. આ સંયોગોમાં ભેળસેળ કરનારાઓને મોકળું મેદાન મળ્યું છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આજે ભારતમાં ભેળસેળનું જો કોઇ સૌથી મોટું રેકેટ ચાલતું હોય તો તે દૂધ, ઘી, માખણ, માવો, પનીર અને ચીઝમાં ચાલે છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા ભારતભરમાંથી દૂધના નમૂનાઓ એકઠા કરવામાં આવ્યા હતા. તેમાંના ૭૦ ટકા નમૂનાઓમાં ભેળસેળ જોવા મળી હતી. તેમને દૂધમાં ડિટર્જન્ટ, યૂરિયા, સ્ટાર્ચ, ગ્લુકોઝ, કોસ્ટિક સોડા, ખાવાનો સોડા, ફોર્મેલિન વગેરેની ભેળસેળ જોવા મળી હતી.
દૂધમાંથી ઘી કાઢીને પાણી અને મિલ્ક પાઉડર ઉમેરીને દૂધને ઘટ્ટ બનાવવામાં આવે છે. દૂધને ઘટ્ટ બનાવવા તેમાં યૂરિયા પણ ઉમેરવામાં આવે છે. દૂધમાં કોસ્ટિક સોડા, યૂરિયા અને ફોર્મેલિન જેવાં કેમિકલ્સને કારણે આંતરડામાં ચાંદા પડે છે.હૃદયને નુકસાન થાય છે.
ભેળસેળની બાબતમાં દૂધ પછી ખાદ્ય તેલોનો ક્રમ આવે છે. ખાદ્ય તેલોના ભાવો જેમ જેમ વધી રહ્યા છે તેમ તેમ ઝેરી અખાદ્ય તેલોની ભેળસેળ વધી રહી છે. સિંગતેલમાં ભેળસેળ કરવા માટે કપાસિયાના તેલનો છુટથી ઉપયોગ કરવામાં આવે છે. ભારતની બજારમાં જે કપાસિયાનું તેલ વેચાય છે. તે પૈકી ૯૦ ટકા તેલ બીટી કપાસિયાનું હોય છે. શનિવારે હનુમાનના મંદિરે જે તેલ આપણે ચડાવીએ છીએ તે બજારમાં વેચાવા આવે છે અને કંદોઇ તેમાંથી ફરસાણ બનાવે છે.
બજારમાં મળતાં મરીમસાલામાં પણ ભેળસેળ હોવાની પૂરી સંભાવના છે. બજારમાં જે ધાણાજીરું વેચાય છે, તેમાં ઘોડાની લાદ ભેળવવામાં આવે છે. બજારમાં જે લાલ મરચાંનો પાઉડર મળે છે, તેમાં ઇંટનો ભુક્કો હોય છે. બજારમાં જે હળદર મળે છે, તેમાં પીળી માટી અને મેટાનિલ યેલો નામનો રંગ ભેળવવામાં આવે છે. હિંગમાં ચોખાનો લોટ ભેળવવામાં આવે છે, અને મરીમાં લાકડાનો વહેર ભેળવવામાં આવે છે.
કેરીના રસમાં પપૈયાંનો રસ, પીળો રંગ, ખાંડ, સેકેરિન, એસેન્સ, દૂધ વગેરે પદાર્થો અચૂક ભેળવવામાં આવે છે. બજારમાં ૧૦૦ ટકા શુદ્ધ કેરીનો રસ મળતો જ નથી. કંદોઇને ત્યાંથી લાવેલા જે ફાફડા આપણે હોંશે હોંશે ખાઇએ છીએ તેમાં મોટા પ્રમાણમાં વોશિંગ સોડા ઉમેરવામાં આવેલો હોય છે. જલેબીમાં મેટાનિલ યેલો રંગ ઉમેરવામાં આવે છે જે આરોગ્ય માટે જોખમી છે.
સરસીયાના તેલમાં આર્જીમોન તેલ ભેળવવાથી આંખોનું તેજ ઘટવા સાથે હૃદયરોગ કે જલોધરના રોગ પણ થઈ શકે છે. મરી મસાલા અને દાળ : મરચુ અને અન્ય મસાલાઓમાં માટી, લાકડાનો વ્હેર ધૂળ જેવી વસ્તુઓની મિલાવટ કરવામાં આવે છે. જેનાથી પેટ, આંતરડા અને કીડનીના રોગ થવાનો સંભવ છે.
જયારે હળદરમાં સતના પીળા રંગોની ભેળસેળ થવાથીપાંડુરોગ અને આંચકી આવવાના રોગ થાય છે અને લોહીનુ઼ પ્રમાણ ઘટી જાય છે મરીમાં પપૈયાના બી ભેળવવામાં આવતાં હોવાથી કીડનીના રોગો થવાની શકયતા છે જયારે દાળની વાત કરીએ તો ચણા, અડદ અને તુવેરની દાળોમાં લાંગની દાળની ભેળસેળ કરવામાં આવે છે. જેનાથી લકવાની અસર થઈ શકે છે.
ઠંડા પીણા : ગરમીમાં સૌથી વધુ વેચાતા ઠંડા પીણામાં અખાધ રંગો અને સેકરીન જેવા પદાર્થોભેળવવામાં આવે છે. જેનાથી પાંડુરોગ થવાની સંભાવના છે. ઠંડા પીણા ઉપરાંત, ચોકલેટ, ગોળ, ફરસાણ, આઈસ્ક્રીમ, બરફના ગોળા અને પાન મસાલા ચટણીમાં પણ અખાધ રંગોની ભેળસેળ થવાથી કેન્સર અને લીવર તેમજ આંતરડાના રોગ થઈ શકે છે.
બ્રેડ બિસ્કીટ : સવારના નાસ્તામાં ઉપયોગમાં લેવાતા બ્રેડ, બટર, બિસ્કીટોની બનાવટમાં અખાધ તેલો, જાનવરની ચરબી, હલકો મેંદો, રોટલીનો પાવડર ભેળસેળ કરવામાં આવતી હોય છે. જેના કારણે આંખ, પેટ અને કેન્સર જેવા રોગ થવાની સંભાવના છે. આ ઉપરાંત દૂધમાં પણ પાણી, સ્ટાર્ચ કે લોટની ભેળસેળ કરવામાં આવતી હોય છે.