હેર કલર અને Dye ઘરે જ લગાવતા હો તો આટલું ખાસ ધ્યાન રાખવું….
કેટલાંક લોકો વાળમાં શોખથી કલર કરે છે, તો કેટલાંક સફેદ વાળને છૂપાવવા માટે મજબૂરીમાં હેર ડાઇ કરાવતા હોય છે. જો કે, હેર કલર પાછળ પાર્લરમાં દર મહિને ઢગલાબંધ રૂપિયાનો ખર્ચ ઉઠાવવા કરતાં ઘણીવાર લોકો ઘરે જ કલર કરવાનું પસંદ કરતા હોય છે. મોર્ડન યુવતીઓને કાળા વાળ પર અલગ અલગ પ્રકારના રંગ કરાવવાનો શોખ હોય છે, તેથી ઘણીવાર તેઓ પણ ઘરે જ ટ્રેન્ડ હેર કલર અપ્લાય કરી દેતી હોય છે.
જો હેર કલરને સાવધાનીપૂર્વક અપ્લાય ના કરવામાં આવે તો વાળ ડેમેજ થઇ શકે છે. જો યોગ્ય પ્રોસેસ ફૉલો ના કરવામાં આવે તો કલર લાંબા સમય સુધી ટકતો નથી. હેર કલર સાથે જોડાયેલી કેટલીક ભૂલો અને શું સાવધાની રાખવી તે અંગે નિષ્ણાતોએ મત વ્યક્ત કર્યો છે.
શેમ્પુથી વાળ ધૂઓ
હેર કલર અપ્લાય કરવાના બે દિવસ અગાઉ વાળને શેમ્પુથી યોગ્ય રીતે ધૂઓ. શેમ્પુ કરવાની એક રાત અગાઉ વાળમાં ગરમ તેલથી મસાજ કરવાનું ના ભૂલો. આખી રાત તેલ રાખ્યા બાદ સવારે ફરીથી માઇલ્ડ શેમ્પુથી વાળ ધૂઓ. હેર કલર અપ્લાય કરતા પહેલાં વાળ ધોવાથી હેર ડાય વધારે દિવસ સુધી રહે છે.
નિશ્ચિત સમય સુધી જ રાખો કલર
હેર કલરની કોઇ પણ બ્રાન્ડ લો, તેના પેકેટ પર બારીક પ્રિન્ટથી વાળ પર કલર કેટલાં સમય સુધી રાખવાનો છે, તેની જાણકારી ચોક્કસથી લખેલી હશે. જો તમે હેર કલરને વધારે સમય સુધી વાળમાં છોડી દેશો તો તમારાં વાળ વધારે ડાર્ક થઇ જશે. આવું ઓક્સિડેશનના કારણે થાય છે. જો તમારાં વાળ પાતળા હોય તો પણ લાંબા સમય સુધી કલરને વાળમાં લગાવેલો ના રાખો.
યોગ્ય રીતે કરો કવર
વાળ પર જ્યારે પણ કલર અપ્લાય કરો, તો કોશિશ કરો કે તમારાં વાળ યોગ્ય રીતે ઢંકાઇ જાય. જો વાળને યોગ્ય રીતે કલરથી કવર નહીં કરો તો લાઇટ રંગ ચઢશે, જે દેખાવમાં પણ ખરાબ લાગશે. વાળને હેર કલર કરવાથી યોગ્ય રીતે કવર કરશો તો તેનો ટોન જેવો છે તેવો જ વાળ પર ચઢશે.
કન્ડિશનર છે જરૂરી
વાળમાં કલર લગાવવાથી સ્કાલ્પના પોર્સ ઓપન થઇ જાય છે, જેનાથી વાળ ડેમેજ અને ડ્રાય થવાના ચાન્સિસ વધી જાય છે. તેનાથી બચવા માટે વાળ ધોયા બાદ સારી ક્વોલિટીનું હેર કન્ડિશનર લગાવવાનું ના ભૂલો. માર્કેટમાં આજે સ્પેશિયલ હેર કલર બાદ ઉપયોગમાં લેવાતા શેમ્પુ અને કન્ડિશનર અવેલેબલ છે, જે તમારાં વાળને ડેમેજ થતા અટકાવે છે અને કલરને લાંબા સમય સુધી ટકાવેલો રાખે છે.
