ટ્રમ્પ તંત્ર વીણી વીણીને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને યુએસમાંથી તગેડશે
શપથ ગ્રહણ સાથે જ દરોડાની કાર્યવાહી શરૂ થશે
મંગળવારે શિકાગોથી દેશનિકાલ ઓપરેશનનો પ્રારંભ
અમેરિકામાં વસતા ભારત સહિતના અનેક દેશોના લાખો ગેરકાયદે પ્રવાસીઓનું ભાવી અધરકાલ થઈ ગયું છે. ટ્રમ્પે ચૂંટણી પહેલા આપેલા વચન મુજબ આખા દેશમાંથી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને વીણી વીણીને યુએસમાંથી તગડી મુકવા માટે તેમના વહીવટી તંત્રએ પૂરતી આગોતરી તૈયારી કરી લીધી છે.સતાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ તારીખ 20 ને સોમવારે શપથ ગ્રહણ કરે તેના બીજા જ દિવસે એટલે કે મંગળવારે શિકાગો માંથી આ દેશ નિકાલ ઓપરેશનની શરૂઆત કરવામાં આવશે.
ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળના ઈમીગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ એજન્સીના વડા ટોમ હોમેને પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે દેશનિકાલ ઓપરેશન અંતર્ગત મંગળવારે શિકાગો અને ઇલિનોઇસમા વ્યાપક દરોડાઓ પાડવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે જો શિકાગોના મેયર આ કાર્યમાં મદદ ન કરવા માંગતા હોય તો તેઓ બાજુ પર બેસી શકે છે પણ જો તેઓ એ કાર્યવાહીને અટકાવવાની કોશિશ કરશે તો તેમની સામે કાનૂના પગલાં લેવામાં આવશે. ટોમ હોમેને કહ્યું કે શિકાગો થી શરૂઆત થયા બાદ આખા અમેરિકામાંથી ગેરકાયદે પ્રવાસીઓને રવાના કરવામાં આવશે. તેમણે કહ્યું કે ન્યૂયોર્ક અને મિઆમીમાં પણ ધરપકડો થશે.
ટોમ હોમેનની આ ઘોષણા ને પગલે લાખો ગેરકાયદે ઇમીગ્રન્ટસના જીવ અધ્ધર થઈ ગયા છે. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક વખત ગેરકાયદે એમીગ્રન્સ નો મુદ્દો ઉઠાવ્યો હતો. એલોન મસ્ત સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે અન્ય દેશના ગુનેગારો અમેરિકામાં આવીને ગેરકાયદે વસી ગયા હોવાની ટિપ્પણી કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કહ્યું હતું કે હું પદગ્રહણ કરીશ તેની થોડી મિનિટોમાં જ અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું દેશનિકાલ ઓપરેશન શરૂ થશે. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા સતાના હસ્તાંતરણ સમય દરમિયાન ગેરકાયદે પ્રવાસીઓની યાદી પણ બની ચૂકી હોવાનું માનવામાં આવે છે.