વેબ સિરીઝ ‘ગુનાહ’નું ટીઝર રિલીઝ: જાણો ક્યાં જોઈ શકશો ફ્રીમાં
મરાઠી સિનેમાના જાણીતા અભિનેતા ગશમીર જુગારીના રોલમાં નજરે પડશે
મરાઠી સિનેમા અને પાણીપત જેવી હિન્દી ફિલ્મોમાં પોતાના કામથી ખૂબ જ જાણીતા ગશમીર મહાજની પોતાની નવી વેબ સિરીઝ ‘ગુનાહ’માં નજરે પડશે. આ સિરીઝમાં તે એક જુગારીનું પાત્ર નિભાવશે. આ સિરીઝ એક એવા હીરોની વાર્તા છે જે એન્ટિ-હિરોમાં બદલાઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ સિરિઝના જબરદસ્ત ટીઝરને સોશિયલ મીડિયા પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
‘ગુનાહ’ વેબ સિરિઝનું ટીઝર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અભિનેતા ગશમીર જુગારી અભિમન્યુનું પાત્ર ભજવી રહ્યા છે. જે બદલો લેવા માટે એવો રસ્તો પકડે છે જેમાં તેને સાચું-ખોટું કઈ જ દેખાતું નથી. પોતાના પાત્ર વિશે વાત કરતાં ગશમીરે કહ્યું હતું કે, અભિમન્યુનું પાત્ર મારા દ્વારા ભજવવામાં આવેલા બધા પાત્રથી ખૂબ જ અલગ છે. જ્યારે મે પહેલીવાર સિરીઝની સ્ક્રિપ્ટ વાંચી તો હું આ પાત્રથી આકર્ષિત થઈ ગયો હતો.
સિરીઝ વિશે વાત કરતાં નિર્માતા અનિરુદ્ધ પાઠકે કહ્યું કે, ‘ગુનાહ’ની સાથે અમે એક એવી વાર્તા બનાવવા માંગતા હતા જે માત્ર મનોરંજન નહિ પંરતુ દર્શકોને પોતાની સીટ સાથે બાંધી રાખે. એમણે વધુમાં કહ્યું કે, અમે રોમાંચિત છીએ કે આ સિરીઝ ડિઝની હોટ સ્ટાર પર ફ્રીમાં ઉપલબ્ધ થશે. આ સિરિઝનું ટીઝર જાહેર થઈ ગયું છે જ્યારે 3 જૂનના રોજ સિરીઝ રિલીઝ થશે.