હમાસના વડા યાહ્યા સીનવારનો ખાતમો
ઇઝરાયેલે શુક્રવારે ગાઝાપટ્ટીમાં ‘ ઘરમાં ઘૂસી’ને અમાસના વડા યાહ્યા સિનવારને મારી નાખ્યો હતો. ગત વર્ષે સાત ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ ઉપર થયેલા આતંકવાદી હુમલાનો તે માસ્ટર માઈન્ડ હતો. તેના મૃત્યુને અમાસ ઉપરના અત્યાર સુધીના સૌથી મોટા ફટકા તરીકે મૂલવવામાં આવે છે. ઇઝરાયેલ સેનાએ બાદમાં યાયા સીનાવરની છેલ્લી ક્ષણોના વિડીયો ફૂટેજ જારી કર્યા હતા.
ઇઝરાયેલી સેનાના પ્રવક્તા રીઅર એડમીરલ ડેનિયલ હગારીના જણાવ્યા અનુસાર ગાઝા પટ્ટીના રફાહ જિલ્લામાં યાહ્યા સીનવાર અને તેના બે સાથીઓ ઇઝરાયેલી હુમલાથી બચવા માટે એક ઘરમાંથી બીજા ઘરમાં ભાગી જતાં નજરે પડ્યાં બાદ ઇઝરાયેલી દળોએ તેની પર હુમલો કર્યો હતો. યાહ્યા સીનવાર એકલો એક ઘરમાં ભાગી ગયો હતો. બાદમાં ઇઝરાયેલી સેનાએ ડ્રોન દ્વારા આખા વિસ્તારને સ્કેન કરી તે જે મકાનમાં છુપાયો હતો તેને શોધી કાઢ્યું હતું અને તેના પર હુમલો કરી તેનો ખાતમો બોલાવી દીધો હતો. તેની સાથેના અન્ય બે આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કર્યા બાદ ઇઝરાયેલ એ યાહ્યા સીનાવરના મૃત્યુની જાહેરાત કરી હતી.
ઇઝરાયેલી સેનાએ જાહેર કરેલ વિડીયો ફૂટેજમાં યાહ્યા સીનાવાર એક તૂટી પડેલા જર્જરિત મકાનમાં કાટમાળ ની વચ્ચે ધૂળ માટી અને રાખતી ઢંકાયેલી હાલતમાં સોફા પર બેઠેલો નજરે પડે છે. ગોળીબારમાં તેના એક હાથમાં ઈજા થઈ હોવાનું પણ દેખાય છે. યાહ્યા સિનાવરે છેલ્લી મિનિટોમાં ઇઝરાયેલ ના ડ્રોન ઉપર લાકડીનો ઘા કરતો નજરે પડ્યો હતો.
નોંધનીય છે કે ગત વર્ષે સાતમી ઓક્ટોબરે ઇઝરાયેલ પર આતંકી હુમલો થયો ત્યારથી યાયા સિનાવર ઇઝરાયેલ ના ડેથ લિસ્ટમાં હતો. જો કે તે મોટેભાગે ભૂગર્ભ ટંડેલોમાં રહેતો હોવાથી ઇઝરાયેલ ના હાથમાં નહોતો આવ્યો. આતંકી હુમલા પહેલાના કેટલાક અઠવાડિયાઓથી તેણે જાહેરમાં દેખાવાનું બંધ કરી દીધું એક સમયે તે મૃત્યુ પામ્યો હોવાની અફવા ફેલાઈ હતી પરંતુ છેલ્લે 10 ઓક્ટોબરના રોજ તે તેની પત્ની અને બાળકો સાથે એક સાંકડી ટનેલમાં પ્રવેશતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો.માર્યા ગયેલ યાહ્યા સિનવાર પાસેથી એક ગન અને 40000 રૂપિયાનું ચલણ મળી આવ્યું હતું.
યાહ્યા સીનવાર 22 વર્ષ ઇઝરાયેલ જેલમાં કેદ હતો: ખાન યુનુસના કસાઈ નું બિરુદ મળ્યું હતું
યાહ્યા સિનવારનો જનમ 1962માં ખાન યુનુસ શહેરની શરણાર્થી છાવણીમાં થયો હતો. તેણે ઇઝરાયેલના અત્યાચારો નિહાળ્યા અને અનુભવ્યા હતા.ઇઝરાયેલ સામેની નફરત તેની નસે નસમાં દોડતી હતી.1989 માં બે ઇઝરાયેલી સૈનિકો અને ઇઝરાયેલ માટે જાસુસી કરતા ચાર પેલેસ્ટેનીયન નાગરિકોની હત્યા બદલ ઇઝરાયેલે તેને આજીવન કેદની સજા ફરમાવી હતી. તે 22 વર્ષ સુધી ઇઝરાયેલ ની જેલમાં રહ્યો હતો.આ લાંબા જેલવાસને કારણે યાહ્યા સીનવાર ઇઝરાયેલ ની મીલીટેરી સ્ટ્રેટેજી તથા સલામતી વ્યવસ્થા અને એ વ્યવસ્થાને કેમ ભેદી શકાય તે જાણતો હતો.
ગાઝા મેટ્રો તરીકે ઓળખાતી ગાઝાની 500 કિલોમીટરની ટનલોના નિર્માણમાં તેનું મુખ્ય પ્રદાન હતું. યાહ્યા તેની કૃરતા માટે કુખ્યાત હતો. ઇઝરાયલ વતી જાસુસી કરતા અનેક પેલેસ્ટેનિયન નાગરિકોને તેણે બેરહેમીથી મારી નાખ્યા હતા અને પરિણામે તેને ‘ખાન યુનુસના કસાઈ ‘ તરીકેની ઓળખ મળી હતી. અમેરિકા અને ઇઝરાયેલ બન્નેએ તેને સૌથી વધારે ખતરનાક આતંકવાદી ગણાવ્યો હતો. યાહ્યા સીનવાર ખૂબ કાબેલ વ્યુહકાર હતો. ગત સાતમી ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા માટે તેણે વર્ષોનું પ્લાનિંગ કર્યું હતું.
હમાસમાં પણ યાહ્યા સીનવારના દુશ્મનો હતા હનીયેહ જૂથ સાથે તીવ્ર મતભેદ હતા
યાહ્યા સીનવાર ઇઝરાયેલ સામે યુદ્ધ અને હિંસાનો કટ્ટર સમર્થક હતો જ્યારે થોડા સમય પહેલાં જ ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયેલા હમાસના તત્કાલીન વડા ઈસ્માઈલ હનીયેહ મર્યાદિત હિંસા અને ઇઝરાયેલ તથા આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સંવાદના સમર્થક હતા. હનીયેહ કતારમાં રહેતાં હતાં અને સિનવાર તેમને અને તેમના જૂથના અન્ય નેતાઓને કતારના વિશાળ આરામદાયક મકાનોમાં આરામ ફરમાવતા ‘હોટેલ બંદાઓ ‘ કહીને ઠેકડી ઉડાવતો. સાતમી ઓક્ટોબરે ઇઝરાયેલ ઉપર થયેલા આતંકવાદી હુમલાબાદ હનીયેહ જૂથે સિનવારને અહંકારભર્યો ઉન્માદી ગણાવ્યો હતો.હનીયેહ ની હત્યા બાદ સીનવાર હમાસનો સર્વે સભા બની ગયો હતો અને અને તુરત જ તેણે વેસ્ટ બેંકમાં આત્માલ ગાતી હુમલાઓ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
એક ઇઝરાયેલી સૈનિક ના બદલામાં 1026 પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિ કરાવી હતી.
2006માં હમાસના આતંકવાદીઓએ વેસ્ટ બેન્કમાંથી ઇઝરાયેલમાં ઘુસી ગિલાડ શાલિત નામના ઇઝરાયેલના એક સૈનિકનું અપહરણ કર્યું હતું.હમાસે એ સૈનિકની મુક્તિના બદલામાં ઇઝરાયેલની જેલમાં બંધ આતંકવાદીઓ અને અન્ય કેદીઓની મુક્તિની માંગણી કરી હતી.ઇઝરાયેલમાં અપહૃત સૈનિક ગિલાડ તરફી અભૂતપૂર્વ સહાનુભુતીનો જુવાળ જાગ્યો હતો.2009માં તેના જન્મદિવસે પવિત્ર વેસ્ટર્ન વોલ ખાતે તેની મુક્તિ માટે હજારો લોકોએ પ્રાર્થના કરી હતી.ઇઝરાયેલમાં ગિલાડની મુક્તિ માટેની લાગણી સ્ફોટક રૂપ ધારણ કરી રહી હતી.ત્યારે નેતન્યાહુએ 2011માં હમાસની શરત સ્વીકારવી પડી હતી.પોતાના એક સૈનિક માટે ઇઝરાયલે પેલેસ્ટાઈનના 1026 કેદીઓને છોડી દીધા હતા.એ અંગેની ચર્ચાનું નેતૃત્વ યાહ્યા સીનવારે સંભાળ્યું હતું.બાદમાં જો કે 2012માં ગાઝા ઉપર ઇઝરાયેલ તૂટી પડ્યું હતુંએક અઠવાડિયા સુધી ઇઝરાયેલી લડાકુ વિમાનો બોંબ વરસાવી ગાઝા ને ખેદાન મેદાન કરી નાખ્યું હતું.
હમાસ હથિયાર હેઠાં મૂકે તો આવતીકાલે યુદ્ધ બંધ થઈ જાય નેતન્યાહુનો સંદેશો
યાહ્યા સિનવારના મૃત્યની જાહેરાત કરતી વેળાએ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ એ કહ્યું કે આ યુધ્ધનો અંત નથી પણ અંતની શરૂઆત છે.ગાઝાના લોકોને સંબોધીને તેમણે કહ્યું કે હમાસ જો હથિયાર હેઠાં મૂકી દે અને બંધકોને મુક્ત કરે તો આવતીકાલે યુદ્ધ બંધ થઈ શકે તેમ છે.. તેમણે સિનવારનો ખાતમો બોલાવનાર ઇઝરાયેલી જવાનોને બહાદુર ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે હમાસના કબજામાં હજુ પણ ઇઝરાયેલ સહિતના કુલ 23 દેશોના 101 નાગરિકો બંધક હોવાનું જણાવી તેમને મુક્ત કરાવવા ઇઝરાયેલ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.