રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ઓટીટી પર રિલીઝ થશે
આ ફિલ્મમાં રણદીપની એક્ટિંગના થયા હતા ખૂબ જ વખાણ
એક્ટર અને ડાયરેકટર રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ થિયેટરમાં રિલીઝ થયાના અંદાજે બે મહિના બાદ હવે ડિઝિટલ એટલે કે, ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. આખરે નિર્માતાઓ તરફથી તેની જાહેરાત કરી દેવામાં આવી છે.
રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ભલે બોક્સ ઑફિસ પર ખાસ કમાલ કરી શકી ન હોય પરંતુ રણદીપ હુડ્ડાની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા. આ ફિલ્મ માટે રણદીપે ઘણું વજન પણ ઉતાર્યું હતું. તેનું બોડી ટ્રાનફોર્મેશન જોઈને સૌ કોઈ ચકિત થઈ ગયા હતા.
નિર્માતાઓ દ્વારા ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ની ઓટીટી રિલીઝ અંગે જાહેરાત કરવામાં આવી છે. વીર સાવરકરની ૧૪૧મી જન્મ જયંતી પર ઓટીટી પર આ ફિલ્મ આવશે. એટલે કે, તા.૨૮ના રોજ ઝી-૫ પર આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા ઉપરાંત અંકિતા લોખંડે સહિત અમિત શિયાળે ગણેશ દામોદર સાવરકર, રાજેશ ખેરાએ મહાત્મા ગાંધી, લોકેશ મિત્તલે બી.આર.આંબેડકરનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મે બોક્સ ઑફિસ પર ૩૧.૨૩ કરોડનો વકરો કર્યો હતો. મહત્વનું છે કે, રણદીપે આ ફિલ્મનું ડાયરેક્શન કરવા ઉપરાંત અભિનય, પ્રોડ્યુસ અને લેખક સાથે મળીને વાર્તા પણ લખી છે.