અનંત રાધિકાની સંગીત સેરેમનીમાં ફેમસ સિંગર જસ્ટિન બીબરે લગાવ્યા ચાર ચાંદ, પ્રખ્યાત ગીતોથી લોકોને ઝુમાંવ્યા
અનંત-રાધિકા 12 જુલાઈએ લગ્નના તાંતણે બંધાઈ જશે, પરંતુ લગ્નનાં ફંકશન માર્ચથી જ શરૂ થઇ ચૂક્યાં છે. અંબાણી પરિવારે શુક્રવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે કપલ માટે એક ભવ્ય સંગીત સેરેમનીનું આયોજન કર્યું છે. આ સંગીત સેરેમનીમાં પોપ સિંગર જસ્ટિન બીબરે પોતાના અદભૂત પર્ફોર્મન્સથી સ્ટેજ પર ચાર ચાંદ લગાવી દીધા હતા. સિંગરના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં તે બેબી, સોરી, લવ યોરસેલ્ફ, પીચીસ, વ્હેર આર યુ નાઉ અને નો બ્રેનર જેવા તેના સૌથી પ્રખ્યાત ગીતો રજૂ કરી રહ્યા છે.
એક વીડિયોમાં જસ્ટિન બીબર ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામાની સાથે સ્ટેજ પર ડાન્સ કરતા પણ જોઈ શકાય છે. ઇન્સ્ટાગ્રામ પર એક વાયરલ વીડિયોમાં બીબર બેબી ગાતો જોવા મળે છે જ્યારે મહેમાનો તેની સાથે મસ્તી કરતા અને ડાન્સ કરતા જોવા મળે છે.
ઇવેન્ટમાં પરફોર્મ કર્યાના કલાકો પછી, બીબરને મુંબઈના કાલિના એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જ્યાંથી તે યુ.એસ. પરત ફર્યા હતા. અહેવાલ મુજબ, ગાયકે કાર્યક્રમમાં તેના પરફોર્મન્સ માટે 83 કરોડ રૂપિયા લીધા હતા. બીબર સાત વર્ષના લાંબા અંતરાલ બાદ ભારત પરત ફર્યો હતો. તમને જણાવી દઈએ કે તેણે વર્ષ 2022 માં ભારતમાં એક કોન્સર્ટની જાહેરાત કરી હતી, જો કે, પછીથી તેની તબિયત બગડતાં તે રદ કરવામાં આવી હતી.
જસ્ટિન બીબરનો આગવો અંદાજ

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં બોલિવૂડથી લઈને સ્પોર્ટ્સ સુધીની ઘણી હસ્તીઓએ આ પ્રસંગે પોતાના એક્ટિંગ અને સ્ટાઇલથી દરેકને પ્રભાવિત કર્યા હતા. અંબાણીના સંગીત સમારોહનું સૌથી જોરદાર પ્રદર્શન વિશ્વવિખ્યાત ગાયક જસ્ટિન બીબરનું હતું. જસ્ટિનનું પર્ફોર્મન્સ મોડી રાત્રે શરૂ થયું હતું. સ્ટેજ પર આવતાંની સાથે જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. તેમણે ગાવાનું શરૂ કર્યું કે તરત જ બધા તેને ચિયર અપ કરતા જોવા મળ્યા. જસ્ટિને પોતાનાં ગીતોથી બધાને ડાન્સ કરાવ્યો હતો. તેનું પર્ફોર્મન્સ લાંબો સમય ચાલ્યું અને બધા ડાન્સ કરતા જોવા મળ્યા.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં મોટી સંખ્યામાં બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા. આ સિવાય ક્રિકેટ સાથે જોડાયેલી હસ્તીઓએ પણ પાર્ટીમાં હાજરી આપી હતી. સલમાન ખાન, માધુરી દીક્ષિત, શાહિદ કપૂર, વરુણ ધવન, જાહન્વી કપૂર, નવ્યા નવેલી નંદા, અર્જુન કપૂર, અનન્યા પાંડે, ખુશી કપૂર, વિદ્યા બાલન, શનાયા કપૂર, રણવીર સિંહ, રિતેશ દેશમુખ, દિશા પટાની, મૌની રોય, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, પલક તિવારી, શહેનાઝ ગિલ, એટલી કુમાર, હાર્દિક પંડ્યા, સોનાલી બેન્દ્રે, કેએલ રાહુ, આથિયા શેટ્ટી, એમએસ ધોની, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યાં હતાં.