ઝોમેટો, સ્વિગી, ફ્લિપકાર્ટ અને એમેઝોનની સેવા મોંઘી થવાના એંધાણ
- કંપનીઓ પાસેથી વેલફેર ફી લેવાવાની શક્યતા : કર્ણાટક સરકાર ખરડો લાવવાની તૈયારીમાં
સરકાર ઝોમેટો, સ્વિગી, ઉબેર જેવી ફૂડટેક અને ફ્લીપકાર્ટ અને એમેઝોન જેવી ઓનલાઈન શોપિંગ કંપનીઓ પાસેથી વેલફેર ટેક્સ અથવા ફી લેવાની વિચારણા કરી રહી છે. જો સરકાર આમ કરશે તો કંપનીઓ તેનો બોજો ગ્રાહકો ઉપર નાખી શકે છે. આમ તો કર્ણાટક સરકારે આ દિશામાં પગલું ભાયું છે અને ગીગ વર્કર્સ બીલ તૈયાર કર્યું છે અને તેમાં આવી કંપનીઓ ઉપર ૧ થી ૨ ટકા ફી નાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
દરેક કંપની જેમાં ગિગ વર્કર્સ કામ કરે છે તે આ નિયમના દાયરામાં આવશે.
ફૂડટેક અને ઓનલાઈન શોપિંગ જેવી કંપનીઓએ દેશમાં લાખો લોકોને ડિલિવરી પાર્ટનર તરીકે રોજગારી પૂરી પાડી છે. તેઓને ગિગ વર્કર્સ પણ કહેવામાં આવે છે. સ્વિગી, ઝોમેટો, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઉબેર, ઓલા અને મિશો જેવી મોટી કંપનીઓ મોટા પાયે ગિગ વર્કર્સને નોકરીઓ પૂરી પાડવામાં સામેલ છે.
કર્ણાટક સરકારે તૈયાર કરેલા ડ્રાફ્ટ બિલ અનુસાર રાજ્ય સરકાર ગિગ વર્કર્સ માટે ફંડ બનાવશે. તે કર્ણાટક ગિગ વર્કર્સ સામાજિક સુરક્ષા અને કલ્યાણ ફંડ તરીકે ઓળખાશે. આ ફંડ માટે તમામ એગ્રિગેટર કંપનીઓ પાસેથી વેલફેર ફી વસૂલવામાં આવશે. આ ડ્રાફ્ટ બિલ અનુસાર દરેક કંપનીએ આ ફી ક્વાર્ટરના અંતે સરકારને ચૂકવવાની રહેશે.
ઘણા સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નના જૂથે આ બિલને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને કહ્યું હતું કે આવા કાયદાથી રાજ્યમાં બિઝનેસ કરવાની સરળતાના વિચારને નુકસાન થશે. આનાથી સ્ટાર્ટઅપ અર્થતંત્ર પર બિનજરૂરી દબાણ આવશે અને નાણાકીય બોજ પણ વધશે.