રાજકોટમાં યુવા ભાજપ વોર્ડ પ્રમુખ દારૂના ગુનામાં ઝડપાયા : મોનીલ શાહ સહિત ત્રણ શખસોની પોલીસે કરી અટકાયત
રાજકોટ શહેરમાં વિદેશી દારૂ સાથે પોલીસે બે શખસોને પકડતા સૂત્રધાર તરીકે યુવા ભાજપનો વોર્ડ નં.10નો પ્રમુખ નીકળતા પોલીસે ત્રણેય શખસોની વિદેશી દારૂના ગુનામાં અટકાયત કરી હતી. આરંભે તો યુવા ભાજપના દારૂ શોખીન મનાતા અગ્રણીનું નામ જ ચોપડે ન આવે તે માટે લાગતા-વળગતાઓ દ્વારા દોરડા ધણધણાવાયા હતા. જો કે પેપર લિક થઈ ગયું હોવાથી પોલીસ ના ધારે તો પણ હાથ હેઠા પડી ગયા હોય તેમ આજે યુવા ભાજપ પ્રમુખ (વોર્ડ નં.10) મોનીલ રાજેન્દ્રભાઈ શાહ (રહે. તિરૂપતિનગર-1, રૈયારોડ)ની પણ અટકાયત કરાઈ હતી.

શહેરના યાજ્ઞિક રોડ પર આર્મી કેન્ટિન નજીકથી એ-ડિવિઝન પોલીસે એક્ટિવા પર ડબલ સવારીમાં નીકળેલા બે શખસોને અટકાવ્યા હતા. જેમના કબજામાંથી વિદેશી દારૂની કિંમતી બોટલ મળી આવી હતી. દારૂ હાથ લાગતા એ.જી. ચોક નજીકના સદ્ગુરૂ કોલોની ફ્લેટ નં.201માં રહેતા રૂષભ કલ્પેશભાઈ દેસાઈ તથા ગોંડલ રોડ જકાતનાકા નજીક ગીતાનગર-રમાં રહેતા શુભમ પ્રદીપભાઈ થાનકીની ધરપકડ કરી હતી.
બન્ને શખસોની પોલીસે પૂછતાછ હાથ ધરતા દારૂ યુવા ભાજપ વોર્ડ નં.૧૦ના પૂર્વ પ્રમુખ મોનીલ શાહે મંગાવ્યો હતો અને તેના માટે લઇ જતા હોવાની કેફિયત આપી હતી. યુવા ભાજપના મોનીલનું નામ ખૂલતા તેણે પોલીસના સકંજાથી બચવા માટે રાત્રે જ લાગતા વળગતાઓના સંપર્ક કરી ભલામણો કરાવી હતીની ચર્ચા છે. જો કે મામલો ગાજી ગયો હોવાથી અથવા તો પોલીસે કાયદો કાયદાનું કામ કરેની માફક મચક આપી ન હતી.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના દરિયામાં ક્રુઝ ટુરીઝમ શરુ કરવા ચક્રો ગતિમાન : દીવ, પોરબંદર, દ્વારકા, જામનગર અને પડાલા ટાપુને આવરી લેવાશે
મોનીલની પણ એ-ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવેએ જણાવ્યું હતું કે મને હજુ પુરી માહિત મળી નથી, વિગતો મંગાવું છું, મોનીલ પાર્ટીમાં છે પરંતુ ગત ટર્મમાં યુવા ભાજપ વોર્ડ નં.10નો પ્રમુખ હતો. અત્યારે શહેર યુવા ભાજપના નવા પ્રમુખની વરણી થયા બાદ નવી બોડીની રચના થઈ નથી માટે મોનીલ પૂર્વ પ્રમુખ ગણાય.
ભાજપના જ વર્તુળોમાંથી બહાર આવેલી વિગતોમાં મોનીલ શાહ ગત ધારાસભાની ચૂંટણી સમયે જ ભાજપમાં સક્રિય બન્યો હતો. ફોટોસેશનનો શોખીન હોવાનું ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ કે ઉચ્ચ પદાધિકારીઓ, હોદ્દેદારો સાથે ફોટાઓ લઈ સોશિયલ મીહિયામાં રાખીને છાંકો પાડવાની તેમજ ભાજપના હોદ્દેદારના નામે પોલીસમાં પણ ભલામણ કે ગ્રુપ સર્કલમાં રોફ છાળવાની ટેવ ધરાવે છે. જો કે ગતરાત્રે યાજ્ઞિક રોડ પરની એક બિલ્ડિંગમાં ત્રીજા માળે ઓફિસમાં પાર્ટી ચાલતી હતી ત્યાં ઘટ પડતા બન્ને ઈસમો લેવા જતા સપડાતા સમગ્ર ભોપાળો બહાર આવ્યો છે. જો કે આવું ક્યાંય કાંઈ સત્તાવાર નથી માત્ર જો અને તો જેવી વાત છે.