પત્નીના પ્રેમમાં અંધ બનેલા યુવકે જ્ઞાતિ બદલી,સાવકા સંતાનોને સેટ કર્યા: પત્નીએ તરછોડી દેતાં અપહરણ કરીને હત્યાનો પ્રયાસ કર્યો,આરોપીની ધરપકડ
શાપર-વેરાવળમાં પત્નીના પ્રેમમાં અંધ બનેલા પતિએ જ્ઞાતિ બદલી, દેવું કરી સાવકા સંતાનોને સેટ કર્યા હોવા છતાં પત્નીએ તરછોડી દેતાં રોષે ભરાયેલા પતિએ સાગ્રીત સાથે મળી પત્નીનું ધોળે દિવસે અપહરણ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શાપર પોલીસે સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં જ મહિલાને બચાવી લઈ પતિ અને તેના સાગ્રીતની ધરપકડ કરી હતી.
ઘટનાની વિગત મુજબ, ગત તા. 16 ના રોજ શાપર ઢોલરા રોડ પર રહેતા પ્રહલાદપુરી પ્રતાપપુરી ગોસ્વામીએ પોલીસને જાણ કરી હતી કે, તેના માતા સવિતાબેનનું તેના જ સાવકા પિતા મહેશપુરી ગોસ્વામીએ ખૂન કરવાના ઈરાદે ગે્ર કલરની ક્રેટા કાર (GJ 37 B 9121)માં અપહરણ કર્યું છે. આ ગંભીર ફરિયાદના આધારે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયિંસહ ગુર્જરની સૂચનાથી શાપર પોલીસે અલગ-અલગ ચાર ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. રાણાના નેતૃત્વમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યું કે આરોપીઓ ભોગ બનનાર મહિલાને કોટડા સાંગાણી તરફ લઈ ગયા છે.
આ પણ વાંચો :ઓછી વિઝિબિલિટી હશે તો પણ રાજકોટથી ફલાઈટ ટેકઓફ થઈ શકશે: હીરાસર એરપોર્ટ પર 22મી જાન્યુ.થી LVPનો થશે અમલ
પોલીસે તુરંત આ વિસ્તારમાં કોર્ડન કરી આરોપી મહેશપુરી વેલપુરી ગોસ્વામી, સાગ્રીત જાફર સલીમભાઈ અબડા (રહે રાજકોટ) ને દબોચી લીધા હતા. આરોપીએ પત્નીને છરીનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હોય, પોલીસે મહિલાને મુક્ત કરાવી તાત્કાલિક હોસ્પિટલ સારવારમાં ખસેડી હતી.પોલીસ પૂછપરછમાં મુખ્ય આરોપી મહેશપુરીએ જણાવ્યું હતું કે, સવિતા સાથે પ્રેમ લગ્ન કરવા માટે તેણે એફિડેવિટ કરીને પોતાની જ્ઞાતિ બદલી નાખી હતી. પત્નીના ત્રણ સંતાનોને સેટ કરવા માટે તેણે પાંચ લાખ રૂપિયાનું દેવું કર્યું હતું સંતાનો સાથે અણબનાવ થતા સવિતા તેને તરછોડીને પુત્રના ઘરે રહેવા આવી ગઈ હતી. વર્ષોનું સમર્પણ એળે જતાં અને પત્નીએ સાથ છોડી દેતા તેણે ઉશ્કેરાઈને આ ખૂની ખેલ ખેલ્યો હતો.શાપર પોલીસે આ મામલે બંને આરોપીઓ સામે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
