સાઉદી BRICS માં જોડાવાનું પણ તું મૂકે તેવા સ્પષ્ટ એંધાણ
અમેરિકાએ BRICS સંગઠન ના સભ્ય દેશો સામે લાલ આંખ કર્યા બાદ સાઉદી અરેબિયાબીહવે એ સંગઠનમાં જોડાવાનો વિચાર પડતો મુકશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. સાઉદી અરેબિયાએ તાજેતરમાં જ અમેરિકામાં 600 બિલિયન ડોલરના રોકાણનું આયોજન હોવાની
જાહેરાત કર્યા બાદ હવે તેની BRICS સંગઠનમાં જોડાવાની શક્યતાઓ ધૂંધળી જણાઈ રહી છે.
નોંધનીય છે કે સાઉદી અરેબિયાને આ સંગઠનમાં સામેલ થવા માટે 2023 માં આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ હજુ સુધી તેણે કોઈ નિર્ણય કર્યો નથી.

સાઉદીના ક્રાઉન પ્રિન્સ મહંમદ બિન સલમાને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતમાં અમેરિકામાં 600 બિલિયન ડોલરના નવા રોકાણના આયોજનની જાણકારી આપી હતી. એટલું જ નહીં એ રોકાણ કર્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં નવી તકો ખુલે તો વધુ રોકાણ કરવાનો ઇરાદો પણ વ્યક્ત કર્યો હતો. જાણકારોના મતે અમેરિકા અને પશ્ચિમના રાષ્ટ્રોની મદદ વગર સાઉદી અરેબિયા તેનું વિઝન 2030 મિશન પૂરું કરી શકે તેમ નથી. આ સંજોગોમાં ક્રાઉન પ્રિન્સ BRICS માં જોડાઈને અમેરિકાને નારાજ કરવા ન માંગતા હોય તેવા નિર્દેશો મળી રહ્યા છે. 600 બિલિયન ડોલરના આ રોકાણને કારણે અમેરિકા અને સાઉદી અરેબિયામાં અભૂતપૂર્વ આર્થિક સમૃદ્ધિ આવવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ક્રાઉન પ્રિન્સના આ આયોજનથી ડોનાલ્ડ ટ્રમ્પ ખુશ છે. તેમણે કહ્યું ,” 2017માં સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા ત્યારે સાઉદી 450 મિલિયન ડોલરની કિંમતના અમેરિકન ઉત્પાદનો ખરીદવા સંમત થતાં મેં વ્યાપાર કરાર કર્યા હતા”. તેમણે, 600 બિલિયન ડોલરના સાઉદીના રોકાણને કારણે બંને દેશો વચ્ચે વ્યાપારનો વ્યાપ વિસ્તારશે તેવી ખુશી વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિનિમયમાં ડોલરને બદલે સ્થાનિક ચલણનો ઉપયોગ કરવાના બ્રિક્સ દેશોના કથિત આયોજન સામે મોરચો માંડ્યો હતો અને સો ટકા ટેરીફ લાદવાની ધમકી આપી હતી. એ પછી ભારતે એવું કોઈ આયોજન ન હોવાની સ્પષ્ટતા કરી હતી.