હા ! ભારતે પાકિસ્તાનના લશ્કરી થાણાઓ પર હુમલા કર્યા હતા, વડાપ્રધાન શાહબાઝ શરીફની કબુલાત
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં પાકિસ્તાનના લશ્કરી થાણા ઉપર ભારતે હુમલા કર્યા હોવાનું પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાજ શરીફે પ્રથમ વખત જાહેરમાં સ્વીકાર્યું હતું અને એ સાથે જ એ લશ્કરી થાણાઓ નષ્ટ કર્યા હોવાના ભારતના દાવાને હવે પાકિસ્તાન તરફથી પણ સત્તાવાર પુષ્ટિ મળી ગઈ છે.
શુક્રવારે પાકિસ્તાન સ્મારક ખાતે આયોજિત એક સમારોહને સંબોધતા શરીફે જણાવ્યું કેભારતીય કામગીરી શરૂ થયાની થોડી જ ક્ષણો બાદ સવારે 2.30 વાગ્યે આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે સિકયોર્ડ લાઈન ઉપર ફોન કરી તેમને ઉઠાડયા હતા અને નૂર ખાન એર બેઝ તથા અન્ય લશ્કરી થાણા ઉપર ભારતે હુમલા કર્યા હોવાનું જણાવ્યું હતું. શરીફે કહ્યું કે એ ખૂબ ચિતાની ક્ષણ હતી.અત્રે એ યાદ કરવું જરૂરી છે કે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારતે નવ આતંકવાદી અડ્ડા અને પાકિસ્તાનના બાર લશ્કરી થાણાઓ નો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો.
નોંધનીય છે કે શરીફ અત્યાર સુધી આ યુદ્ધમાં પાકિસ્તાનનો ઐતિહાસિક વિજય થયો હોવાનો દાવો કરતા હતા. અને તેમની સરકારના અપપ્રચાર થી ભરમાઈને પાકિસ્તાનમાં લોકોએ વિજયોત્સવ પણ મનાવ્યો હતો પણ હવે ખુદ વડાપ્રધાન શરીફે ભારતીય હુમલાઓમાં પાકિસ્તાન ખોખરું થઈ ગયું હોવાનું સ્વીકાર્યું છે.તેમની એ કબૂલાત બાદ ભાજપના રાષ્ટ્રીય આઈટી વિભાગના વડા અમિત માલવીયએ કહ્યું કે ભારતે ખૂબ ઊંડે સુધી જઈને હુમલા કર્યાની ખુદ પાકિસ્તાનના વડાપ્રધાનની કબુલાત ઓપરેશન સિદૂરની બહાદુરી અને કાર્યક્ષમતાનો પુરાવો આપે છે.
પાક.ના બધા દાવા બણગાં સાબિત થયા
પાકિસ્તાને અગાઉ દાવો કર્યો હતો કે તેના જેએફ-17 ફાઈટર જેટ્સે પંજાબના આદમપુર એરબેઝ પર એસ-400 એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો હતો. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ એર બેઝની મુલાકાતે પાકિસ્તાનના ખોટા પ્રચાર અભિયાન ઉપર પાણી ફેરવી દીધું હતું. પાકિસ્તાને એ દાવો પણ કર્યો હતો કે ભારતે નાગરિકોને નિશાન બનાવ્યા હતા. જોકે, સિધ પ્રાંતના મુખ્યમંત્રીએ પુષ્ટિ કરી કે ભોલારી એરબેઝ પર હુમલામાં છ હવાઈ દળના કર્મચારીઓ માર્યા ગયા હતા. તેમની કબુલાત ભારતના એ દાવાને સમર્થન આપે છે કે તેણે નાગરિકોને નહીં પરંતુ સૈન્ય સ્થળોને નિશાન બનાવ્યા હતા.
