વાહ !! રાજકોટ મનપાની વેરા શાખાએ લક્ષ્યાંક કરતાં બે કરોડ વધુ ઉઘરાવી આપ્યા
આજથી નવું નાણાકીય વર્ષ 2025-26 શરૂ થઈ રહ્યું છે ત્યારે 2024-25ના વર્ષમાં મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચને 410 કરોડ રૂપિયાનો વેરો ઉઘરાવવાનો લક્ષ્યાંક મ્યુનિ.કમિશનર દ્વારા આપવામાં આવ્યો હતો જેની સામે વેરા શાખાએ લક્ષ્યાંક કરતાં બે કરોડની વધુ `ઉઘરાણી’ કરાવી આપી હતી. રવિ-સોમવારની રજા હોવા છતાં વેરા શાખાની કામગીરી ચાલું રહી હોય સોમવારે 6 વાગ્યા સુધીમાં 2024-25ના વર્ષની વેરાઆવક 412 કરોડ થઈ ગયાનું જાહેર કરવામાં આવ્યું હતું.
ટેક્સ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે 2025-26ના નાણાકીય વર્ષમાં 450 કરોડની વેરાઆવકનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જે પૂર્ણ કરવા માટે આજથી જ અલગ-અલગ ટીમ કામે લાગી જશે. બીજી બાજુ વેરો ભરવામાં ઠાગાઠૈયા કરતાં મિલકતધારકો સામે મિલકત સીલ કરવા, નળ કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હોય એક વર્ષમાં 1031 મિલકતો સીલ કરાઈ તો 100થી વધુ નળ કનેક્શન કટ કરવામાં આવ્યા હતા.
નવા નાણાકીય વર્ષની શરૂઆત થતાં જ એક સપ્તાહમાં મહાપાલિકાની વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ શરૂ કરવામાં આવશે. આ યોજના સાત અથવા આઠ એપ્રિલથી શરૂ થાય તેવી શક્યતા છે. આ યોજના હેઠળ મિલકતધારકો તેમનો ચડતવેરો તેમજ વ્યાજનું હપ્તાવાઈઝ ચૂકવણું કરી શકશે. ઉદાહરણ તરીકે કોઈની મિલકતનો 10,000નો વેરો અને 500 રૂપિયા વ્યાજ બાકી હોય તો 10500ની રકમના ચાર હપ્તા કરીને વેરો ભરપાઈ કરી શકશે. જો કે એક હપ્તો પણ ચૂક્યા એટલે ભરપાઈ કરેલા હપ્તાને ભૂલી જવાનું રહેશે !