વર્ક ફ્રોમ કાર !! ડ્રાઇવિંગ કરતી વખતે લેપટોપ પર કામ કરતી મહિલાનો વિડીયો વાયરલ, પોલીસે કરી કાર્યવાહી
કર્ણાટકના બેંગલુરુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા કાર ચલાવતી વખતે લેપટોપ પર કામ કરી રહી હતી. જ્યારે મહિલાની હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે આ મામલો ચર્ચામાં આવી ગયો. પોલીસે આ મામલાની નોંધ લીધી અને મહિલાને શોધી કાઢી અને તેની સામે કાર્યવાહી કરી છે.
"work from home not from car while driving" pic.twitter.com/QhTDoaw83R
— DCP Traffic North, Bengaluru (@DCPTrNorthBCP) February 12, 2025
વાયરલ વિડીયો બાદ સોશિયલ મીડિયામાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વિડીયોને મહિલાની કારની બાજુમાં કાર ચલાવી રહેલાએ વ્યક્તિએ શૂટ કર્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, મહિલા કાર ચલાવતી વખતે પોતાના ખોળામાં રાખેલા લેપટોપ પર કામ કરી રહી હતી.
બુધવારે સવારે, પોલીસે મહિલા સામે ઝડપી અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ₹1,000નો દંડ ફટકાર્યો છે. આ ઘટના પર, બેંગલુરુ ટ્રાફિક પોલીસના ડેપ્યુટી કમિશનર (ઉત્તર વિભાગ) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને લખ્યું, વર્ક ફ્રોમ હોમ, નોટ ફ્રોમ કાર. એટલે કે ઘરેથી કામ કરો, કારથી નહીં. આ ટ્વીટની સાથે પોલીસે મહિલાની કારનો ફોટો અને ચલાનની કોપી પણ શેર કરી છે.
બેંગલુરુ પોલીસે આ વિડીયો શેર કરીને લખ્યું છે કે, ઘરમાં કામ કરો, ડ્રાઈવિંગ કરતી વખતે કારમાં નહીં. વિડીયો સિવાય મહિલાને બીજી તસવીરમાં દંડ ભરતા જોઈ શકાય છે. પોલીસની આ પોસ્ટ પર અનેક યુઝર્સે કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું કે, વગર પ્લાન કરવામાં આવેલા ડેવલપમેન્ટના કારણે બેંગલુરુના રસ્તાઓ પાર્કિંગ જેવા બની ગયા છે.