વિમેન્સ વર્લ્ડકપ 2024 : આજે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે કાંટે કી ટક્કર
- ઑસ્ટ્રેલિયા સેમિ.માં પહોંચ્યું જ્યારે ભારત પહોંચવા માટે લગાવશે પૂરી તાકાત: બપોરે ૩:૩૦થી મેચ શરૂ
વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપમાં આજે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર મુકાબલો થવાનો છે. ટીમ ઈન્ડિયા અત્યારે મજબૂત સ્થિતિમાં છે. ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ તેણે પાકિસ્તાન અને શ્રીલંકા બન્નેને રગદોળ્યા હતા. હવે ઑસ્ટ્રેલિયા સામે જીતી ભારત સેમિફાઈનલમાં પોતાની જગ્યા નિશ્ચિત કરવાના ઈરાદા સાથે ઉતરશે.
અત્યારે ભારત અને ઑસ્ટ્રેલિયા બન્ને શાનદાર રમતનું પ્રદર્શન કરી રહ્યા છે. આ મેચ આજે બપોરે ૩:૩૦ વાગ્યાથી શરૂ થશે જેનું ટીવી પર લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક ઉપર તો મોબાઈલ પર ડિઝ્ની પ્લસ હોટસ્ટાર ઉપર જોઈ શકાશે.
ઑસ્ટ્રેલિયાએ સેમિફાઈનલમાં પોતાની જગ્યા મજબૂત કરી દીધી છે. ભારત આ મેચ જીતીને સેમિફાઈનલમાં પોતાના દાવાને મજબૂત કરવા ઈચ્છશે. જો ભારત આ મેચ જીતી જાય છે તો સેમિફાઈનલમાં પહોંચવાની તેની શક્યતા વધી જશે. જો કે ન્યુઝીલેન્ડ પોતાની બાકી રહેલી બન્ને મેચ મોટા અંતરથી જીતે છો તો પછી ભારત માટે મુશ્કેલ થઈ જશે.